જામનગરમાં બે સ્થળે જુગાર દરોડામાં ૩ મહિલા સહિત ૧૧ની અટકાયત
મયુરનગર અને ખાંડબજારમાં પોલીસ ત્રાટકી: ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે
જામનગરના મયુરનગરમાં પાના ટીંચતી ૩ મહિલા સહિત ૯ અને ખાંડબજારમાં એકી-બેકી રમતા બે શખ્સ મળી બંને બનાવોમાં કુલ ૧૧ આરોપીઓ સામે જુગારધારા કલમ-૧૨ મુજબ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને દરોડાઓ દરમિયાન કુલ રૂપિયા ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ગોકુલનગર મયુરનગર શેરી નં. ૩ ખાતે જાહેરમાં તીનપત્તી જુગાર રમતા ૩ મહિલાઓ સહિતના નવ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૮૨,૦૦૦ તથા ગંજીપત્તાના પાનાં મળી કુલ રૂપિયા ૮૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉપરોક્ત દરોડા દરમિયાન પોલીસે મયુરનગરના ચમન કેશવજીભાઈ પાડલીયા, અજય કરણાભાઈ વાઘેલા, સંજય કિશોરભાઈ મકવાણા, જુના સ્ટેશન પાસે રહેતા ભરત રાઘવજીભાઈ પાડલીયા, સાયોના શેરીના જયપાલસિંહ જુવાનસિંહ જાડેજા, મયુરનગરના ભુપત ધનાભાઈ ગુજરાતી, જોસનાબેન ભુપતભાઈ ગુજરાતી, નંદકુવરબા જુવાનસિંહ જાડેજા, તેમજ કાંતાબેન ચીનાભાઈ કુનેતિયા સહિત નવ આરોપીઓની અટકાયત કરી લીધી છે.
જયારે નદીપા રોડ ખાંડ બજાર ગ્રેઇન માર્કેટના ખૂણા પાસે જાહેરમાં એકી-બેકી નામનો જુગાર રમતા દિપક પરસોતમભાઈ ચાવલિયા અને અસ્ફાક ઇસ્માઈલભાઈ શેખને રોકડા ૧૧,૭૦૦ સાથે ઝડપી પાડ્યા હતા.