જામનગર: જન્મ-મરણના દાખલા કૌભાંડમાં તાત્કાલિક તપાસ કરવા મ્યુ.કમિશનરનો આદેશ: એજન્ટો છુમંતર
ડી.એમ.સી.ને સુચના અપાયા બાદ એજન્ટો પોબારૂ ભણી ગયા
જામનગર મહાપાલિકાની જન્મ-મરણ દાખલામાં કૌભાંડ ચાલી રહ્યા હોવાના આક્ષેપ બાદ મ્યુ.કમિશનર દીપેશ કેડીયાએ આ અંગે ડી.એમસીને તાત્કાલિક તપાસ કરવા સુચના આપતા કેટલાક એજન્ટો કોર્પોરેશનના પટાંગણમાંથી ભાગી ગયા હતા. અવાર નવાર એજન્ટો લોકોને લુંટતા હોવાની ફરિયાદો ઉઠી છે, હવે તપાસ કેવી રીતે થાય છે તે જોવાનું રહ્યું, એજન્ટ પ્રથા તો વર્ષોથી ચાલી રહી છે, અધિકારીઓ અને નગરસેવકોને ખબર છે પણ કોઇ પગલા લેવાતા નથી. તે પણ હકીકત છે.
કોર્પોરેશનનાં પટાંગણમાં આ પ્રકારના એજન્ટો બેઠા હોય છે અને જન્મ કે મરણનો દાખલો કઢાવવા માટે આવા વચેટીયાઓ ગરીબ અરજદાર પાસેથી વધુ પૈસા લઇને કામ કરતા હોય છે અને કેટલીકવાર એવું પણ બને છે કે એજન્ટ ન રાખો તો કામ થતું નથી, લોકોની અવાર નવાર ફરિયાદ હતી કે તાત્કાલિક આવા એજન્ટોને કોર્પોરેશનના પટાંગણમાંથી દુર કરવા જોઇએ.
હવે મ્યુ.કમિશનરે આદેશ આપ્યો છે ત્યારે કાયમી એજન્ટ પ્રથા કે જે લોકોને લુંટે છે આવા લોકોને પટાંગણમાંથી દુર કરવા માંગણી છે.