રૂ. 1.20 કરોડ ખંખેરી લેતા મહિલા સહિત ચાર સામે ફરિયાદ: બે શખ્સોએ પોલીસની ઓળખ આપી, રૂ. 10 કરોડની કરી હતી માંગ
રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં રહેતા 64 વર્ષના એક વૃદ્ધ સાથે સોશિયલ મીડિયામાં મારફતે સંપર્ક કેળવી, 27 વર્ષીય એક યુવતી દ્વારા દ્વારકા નજીક હનીટ્રેપનો શિકાર બનાવી અને રૂપિયા 1 કરોડ 20 લાખની રકમ મેળવી લીધાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં યુવતી ઉપરાંત તેના કથિત ભાઈ અને બે પોલીસ કર્મચારીની ઓળખ આપેલા શખ્સો સહિત આ ચીટીંગમાં કુલ ચાર સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં રહેતા મહેશભાઈ (નામ બદલ્યું છે) નામના 64 વર્ષના એક વૃદ્ધ સાથે તેમના વોટ્સએપ મારફતે 27 વર્ષની એક યુવતી થોડા દિવસો પૂર્વે સંપર્કમાં આવી હતી. નિકિતા નામની છોકરીએ મહેશભાઈ સાથે અવારનવાર વાતચીત કરી તેમની સાથે સંબંધ રાખવા જણાવ્યું હતું. આ પછી ગત તારીખ 23 મી ના રોજ મહેશભાઈ તથા નિકિતા જામનગર મળવા જતા તેઓ રાજકોટ-જામનગર માર્ગ પર આવેલી એક હોટલ ખાતે રોકાયા હતા. જ્યાં મહેશભાઈએ નિકિતાનું આધારકાર્ડ જોતા તેનું નામ આરશુ સિંઘ અને હોવાનું અને તેણી વડોદરા ખાતે રહેતી હોવાનું જણાવ્યું હતું. નિકિતાએ તેણીનું સાચું નામ આરશુ સિંઘ છે અને તેને બધા નિકિતા કરીને બોલાવે છે તેમ જણાવ્યું હતું.
આરશુ અને મહેશભાઈ વચ્ચે સંપર્ક આગળ વધતા તેઓએ દ્વારકાધીશ મંદિરે દર્શન કરીને પોતાના સંબંધની શરૂઆત કરવા જણાવ્યું હતું. આ પછી મહેશભાઈ અને આરશુ ગત તારીખ 24 મી ના રોજ રાજકોટથી દ્વારકા માટે તેમની મર્સિડીઝ કાર લઈને નીકળ્યા હતા. તેઓ દ્વારકા નજીક ઓખા મઢી ખાતે આવેલા ટોલ ગેઈટ પાસેથી પસાર થયા બાદ માર્ગમાં નંબર પ્લેટ વગરની એક સ્વિફ્ટ મોટરકારના ચાલકે તેમને ઓવરટેક કરી અને મહેશભાઈની ગાડી થોભાવી હતી. સ્વીફ્ટ કારમાંથી પોલીસના પહેરવેશ સાથે નીકળેલા બે યુવાનોએ મર્સિડિઝ કારનું ચેકિંગ કર્યું હતું. અહીં રહેલા એક યુવાને પોતાનું નામ સંજય કરંગીયા જણાવ્યું હતું અને તે જામનગર પોલીસમાં હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા હોવાનું કહ્યું હતું. પોલીસકર્મીનો યુનિફોર્મ પહેરેલા બીજા યુવાનની નેમ પ્લેટના એસ.જે. સોલંકી લખ્યું હતું.
આ પછી પોલીસની તપાસમાં નિકિતાના બેગમાંથી સફેદ કલરના પાવડરની પડીકી નીકળતા યુવાનોએ કહ્યું હતું કે આ તો ડ્રગ્સ છે, ચાલો પોલીસ સ્ટેશનને. જેથી નિકિતાએ મહેશભાઈને નિર્દોષ ગણાવી અને આ પડીકી પોતાની હોવાનું કહ્યું હતું. અહીં રહેલા પોલીસે તેઓએ દેશદ્રોહનો ગુનો કર્યો હોવાનું કહી અને દાટી મારી હતી. આ પછી તેઓએ સમાધાન માટે રૂપિયા 10 કરોડની માંગણી કરી હતી અને રૂપિયા બે કરોડમાં આ પ્રકરણની પતાવટ કરી હતી.
આ પછી મહેશભાઈએ ફોનમાં તેમના પુત્રને સઘળી બાબત જણાવી અને પૈસા મોકલવાનું કહેતા તેમણે પી.એમ. આંગડિયા પેઢી મારફતે રૂપિયા 1.20 કરોડ મોકલી આપ્યા હતા. ત્યાર બાદ ઉપરોક્ત બંને પોલીસ કર્મીઓ રોકડ રકમ લઈને નાસી છૂટ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં મહેશભાઈના પુત્રને નિકિતાની સંડોવણી હોવાની ગંધ આવી જતા મહેશભાઈને નિકિતા સાથે જ રહેવાનું જણાવ્યું હતું. પરંતુ નિકિતાએ આ વાત જાણી લઈ અને તેણીએ મહેશભાઈ ઉપર બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી અને પોતાના ભાઈ પર્વતભાઈ ફોજમાં છે તેમ જણાવી કોઈ યુવાન સાથે વાત કરાવી હતી. સામેથી છેડેથી બોલતા કથિત રીતે પર્વતભાઈ નામના શખ્સએ મહેશભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ નિકિતા કારનો દરવાજો ખોલીને ચાલુ વાહને નાસી છૂટી હતી.
આ સમગ્ર ઘટનાથી વ્યથિત અને હતપ્રભ બની ગયેલા મહેશભાઈ તેમની કાર મારફતે જામનગર તરફ જવા નીકળતા ખંભાળિયા નજીકના ટોલ ગેઈટ પાસે એલસીબી સ્ટાફે તેમની કાર અટકાવીને પૂછપરછ કરતા મહેશભાઈએ આખા બનાવની આપવીતી પોલીસ સમક્ષ વર્ણવી હતી.
આમ, ઉર્ફે નિકિતાએ તેમની સાથે સંબંધ શરૂ કરવાનું કહી, ઓખા મઢી ટોલ ગેઈટ નજીક પોલીસ ડ્રેસમાં આવેલા સંજય કરંગીયા અને એસ.જે. સોલંકી નામના બે શખ્સોએ સફેદ પાવડરની પડીકી કાઢી અને દેશદ્રોહનો ગુનો કરી, અંતે સેટિંગ બાદ 1 કરોડ 20 લાખની રકમ મેળવી લઈ અને આ પ્રકરણમાં આરસુ સિંઘ ઉર્ફે નિકિતા, સંજય કરંગીયા એસ.જે. સોલંકી અને પર્વતભાઈ સામે વિધિવત રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટના વૃદ્ધને હનીટ્રેપનો શિકાર બનાવી, ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, બળજબરીપૂર્વક રૂપિયા 1.20 કરોડની રકમ મેળવી લેવાના આ સમગ્ર બનાવે ભારે ચર્ચા પ્રસરાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech