રાશનકાર્ડ સળગાવ્યું તેવી જ રીતે તને પણ સળગાવી મારી નાખવી છે: પરિણીતાને ધમકી

  • November 27, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આટકોટમાં રહેતી પરિણીતા સાથે સસરા અને નણંદ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી ધમકી અને ત્રાસ આપતા હોય આ અંગે પરિણીતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આટકોટમાં કૈલાશનગર રામાપીરના મંદિર પાસે રહેતી પરિણીતા કરિશ્માબેન તૌફિકભાઈ પરમાર (ઉ.વ. 24) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આટકોટમાં જ રહેતા સસરા કાદરભાઇ ગનીભાઈ પરમાર અને નણંદ ફરજાનાનું નામ આપ્યું છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન દોઢ વર્ષ પૂર્વે તૌફીક પરમાર સાથે થયા હતા જે લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્ર કયુમ છે.



લગ્નના બીજા દિવસે તેમને અલગ રહેવાનું કહેતા પતિ-પત્ની સસરાના ઘરની બાજુમાં આવેલા મકાનમાં રહેતા હતા. લગ્નના એકાદ મહિના બાદ સસરા કાદરભાઈ અને નણંદ ફરજાના બંને દંપતી જે મકાનમાં રહેતા હતા ત્યાં રહેવા દેવા ન હોય જેથી બોલાચાલી અને ઝઘડો કરતા પતિ-પત્ની જસદણમાં ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા ત્યાં પણ નણંદ અવારનવાર કોઈને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો કરતા હતા. ભાડાના મકાનમાં 11 મહિના રહ્યા બાદ નણંદની ચડામણીથી પતિ આટકોટ રહેવા માટે દબાણ કરતા અહીં આટકોટ આવી ગયા હતા.



25 દિવસ પૂર્વે દંપતી જે મકાનમાં રહે છે ત્યાંથી પાડોશીને લાઈટ આપી હોય જેથી પાડોશીને ત્યાં લાઈટના બિલના રૂપિયા લેવા માટે જતા તેણે રૂપિયા આપવાની ના પાડતા અહીંથી છેડો કાઢી નાખ્યો હતો. જેથી નણંદ અને સસરાએ પરિણીતા અને તેના પતિ સાથે માથાકૂટ કરી ગાળો આપી બંન્નેને ઢીકાપાટોનો માર માર્યો હતો.


બાદમાં તા. 25-11 ના પરિણીતાને રાશનકાર્ડની જરૂર પડતા સસરા પાસે રાશનકાર્ડ માંગતા તેણે રાશનકાર્ડ આપવાની ના પાડી હતી અને ગાળો આપી હતી. દરમિયાન નણંદે પણ આવી ઝઘડો કર્યો હતો અને ઢીકાપાટુનો માર મારવા લાગી હતી અને નણંદે રાશનકાર્ડ સળગાવી નાખ્યું હતું. બાદમાં નણંદ અને સસરાએ કહ્યું હતું કે, આ રાશનકાર્ડ સળગાવ્યું તેવી જ રીતે તને પણ સળગાવી નાખી મારી નાખવી છે તેવી ધમકી આપી હતી. જેથી આ અંગે પરિણીતાએ સસરા અને નણંદ વિરુદ્ધ ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટોનો માર મારવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે આટકોટ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application