દેવભૂમિ દ્વારકા: ભોગાતમાં દૂધાળા પશુઓ માટેના પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો પકડાયો

  • June 11, 2026 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ભોગાતમાં દૂધાળા પશુઓ માટેના પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો પકડાયો

દ્વારકા એસઓજી દ્વારા ગોજીનેશના શખ્સની અટકાયત : ૨૭૫ નંગ ઇન્જેકશન કબ્જે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસ.ઓ.જી.) પોલીસ દ્વારા પશુઓ પ્રત્યે ક્રૂરતા આચરતા ઇસમો વિરુદ્ધ એક મહત્વની અને સફળ કામગીરી કરવામાં આવી છે. જેમાં ગોજીનેશના એક શખ્સને પ્રતિબંધીત ઇન્જેકશનના જથ્થા સાથે દબોચી લીધો હતો. 

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. વી.એ.રાણા તથા પીએસઆઈ  ડી.એ.વાળાની સૂચનાથી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. ભીખાભાઈ ગાંગીયા, કાનાભાઈ માડમ અને કોન્સ્ટેબલ સુમાતભાઈ ભાટીયાને ખાનગી બાતમીદાર તરફથી એક ચોક્કસ હકીકત મળી હતી. બાતમીના આધારે પોલીસે ભોગાત ગામના મેઈન બજારમાં આવેલી બંસી ટ્રેડસ નામની અનાજ કરિયાણાની દુકાને દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દુકાનદાર ભરતભાઈ આલાભાઇ વરૂ (રહે. ગોજીનેશ વાડી વિસ્તાર) ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓમાંથી વધુ આર્થિક લાભ મેળવવા માટે, તેમને અકુદરતી રીતે પીડા આપીને દૂધનું ઉત્પાદન વધારતા ગેરકાયદેસર અને પ્રતિબંધિત ઇન્જેક્શનો રાખતો હતો અને તેનું વેચાણ કરતો હતો. પોલીસને દુકાનમાંથી સફેદ પારદર્શક પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની બોટલો વાળા કુલ ૨૭૫ નંગ ઇન્જેક્શનો મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા ૨૭,૫૦૦/- થાય છે. 

આ પ્રતિબંધિત જથ્થા અંગે આરોપી પાસે સક્ષમ ઓથોરીટીનું કોઈ લાઈસન્સ કે આધાર પુરાવા મળી આવ્યા ન હતા. આથી પોલીસે પશુઓના આરોગ્યને નુકસાનકારક એવા આ ગેરકાયદેસર ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરી, આરોપી વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧) (સી) મુજબ ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application