આશાવર્કર બહેનો દ્વારા પડતર પ્રશ્ર્ને કાલાવડમાં આવેદન
પ્રશ્ર્નોનો ઉકેલ ન આવે તો કામગીરીનો બહિષ્કાર કરવાની અપાઇ ચીમકી
કાલાવડ મામલતદાર કચેરી ખાતે આજે આશાવર્કર બહેનો દ્વારા એકત્રિત થઈને પોતાની પડતર માંગણીઓ અને વિવિધ પ્રશ્નો અંગે મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં આશાવર્કર બહેનોએ છેલ્લા લાંબા સમયથી પડતી મુશ્કેલીઓ અને વણઉકેલાયેલા પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરીને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આવેદનપત્રમાં આશાવર્કર બહેનોએ મુખ્ય રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૩ વર્ષથી (પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના) અંતર્ગત સતત કામગીરી કરી રહી છે, પરંતુ આજ દિન સુધી તેમને આ કામગીરીનું કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી. જેથી આક્રોશ સાથે તેઓએ જણાવ્યું છે કે હવે પછી તેઓ આ કામગીરી કોઈપણ ભોગે કરવાના નથી. આ ઉપરાંત ડિજિટલ કામગીરીમાં પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પટેકોથ એપ્લિકેશનમાં કોઈ વિસ્તાર ખુલતો નથી અને નેટવર્કની પણ ભારે સમસ્યા રહે છે, જેના કારણે ડિજિટલ કામગીરી કરવી અશક્ય બને છે, પરિણામે આ કામગીરી પણ હવે તેઓ બંધ કરશે.
વાડી વિસ્તારમાં ફરજ બજાવતી બહેનોએ પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે, વાડી વિસ્તારમાં જવા માટે કોઈ વાહનની વ્યવસ્થા નથી અને તંત્ર દ્વારા કોઈ વાહનભાડું પણ આપવામાં આવતું નથી, જેથી આ કામગીરી પણ હવે તેમના દ્વારા કરવામાં આવશે નહીં. વધુમાં, જ્યારે વાડી વિસ્તારના ડિલિવરીના લાભાર્થીઓને લઈને તેઓ જિલ્લાની મુખ્ય હોસ્પિટલો જેવી કે રાજકોટ જનાના હોસ્પિટલ અને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે જાય છે, ત્યારે ત્યાંના સ્ટાફ દ્વારા આશાવર્કર બહેનોના પત્રકમાં સહી કરી આપવામાં આવતી નથી. સહી ન મળવાના કારણે આશાવર્કર બહેનોનું પેમેન્ટ અટકી જાય છે, જેથી આ હોસ્પિટલ લક્ષી કામગીરીનો પણ તેઓ બહિષ્કાર કરશે.
આ સિવાય પોલિયોની કામગીરી અંગે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પોલિયો અંતર્ગત કરવામાં આવતી એડવાન્સ કામગીરી તેમજ વાડી વિસ્તારમાં કરાતી પોલિયો કામગીરીનું કોઈ વળતર કે પેમેન્ટ મળતું નથી, જે રૂપિયા તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ એચ.બી.એન.સી. અંતર્ગત વાડી વિસ્તારના લાભાર્થીઓની નિયમ મુજબ ૫ વિઝીટ પૂર્ણ કર્યા બાદ જો લાભાર્થી અન્ય સ્થળે ચાલ્યા જાય, તો આશાવર્કર બહેનોને તેનું પેમેન્ટ ચૂકવવામાં આવતું નથી, જે અન્યાય સમાન છે. છેલ્લે તેઓએ વહીવટી મુશ્કેલીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, તેઓને પગાર પત્રકની ઝેરોક્ષ નકલ પણ પોતાના ખર્ચે કરાવવી પડે છે, જે તંત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે તેવી માંગ છે. પોતાની આ ન્યાયી માંગણીઓ સહેલાણીથી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં કામગીરી અટકાવવાની ચીમકી આશાવર્કર બહેનો દ્વારા આપવામાં આવી છે.