ધાર્મિક નગરી કાશીમાં આજે કારતક પૂર્ણિમાના પવિત્ર દિવસે દેવદિવાળીની ભવ્ય ઉજવણી થવાની છે. ગંગાના ઘાટ પર 11 લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવશે, જ્યારે આકાશમાં 2100 સ્વદેશી ડ્રોન દ્વારા ભગવાન શિવ, માતા ગંગા અને કાશીની ધાર્મિક પરંપરાને દશર્વિતાં દૃશ્યો રજૂ કરવામાં આવશે. ગંગાના કિનારે લેસર શો, થ્રીડી પ્રોજેક્શન અને આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ નિહાળવા દેશવિદેશથી લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ કાશી પહોંચ્યા છે.
દેવદિવાળીને દેવતાઓની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. કારતક પૂર્ણિમાના દિવસે કાશીમાં ગંગાના ઘાટ પર દીવડા પ્રગટાવવાની પરંપરા છે. આ વર્ષે આ ઉત્સવને વધુ ભવ્ય બનાવવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. અસ્સી ઘાટથી રાજઘાટ સુધીના ગંગાકિનારાને દીવડાથી શણગારવામાં આવશે. ગંગાના અર્ધચંદ્રાકાર ઘાટ પર લાખો દીવડા એકસાથે પ્રગટશે ત્યારે સમગ્ર વિસ્તાર પ્રકાશથી ઝળહળી ઊઠશે.આ વર્ષે દેવદિવાળીમાં ટેકનોલોજીનો પણ વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આકાશમાં એકસાથે ઊડનારા 2100 ડ્રોન દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક દૃશ્યો સર્જવામાં આવશે. ભગવાન શિવ, માતા ગંગા અને કાશીના પ્રાચીન વારસાને દશર્વિતી આ રજૂઆત ઉત્સવનું મુખ્ય આકર્ષણ બનશે. ચેતસિંહ ઘાટ પર થ્રીડી પ્રોજેક્શન મેપિંગ અને લેસર શો યોજાશે. ગંગાના ઘાટ પર પરંપરાગત દીપોત્સવની સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય જોવા મળશે.