ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં કુદરતી આફત તૂટી પડી છે. ૬ અને ૭ જુલાઈ દરમિયાન ખાબકેલા ૧૮ ઈંચ જેટલા અનરાધાર વરસાદના કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સુરત શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થઈ જવાને કારણે સ્લમ વિસ્તારોથી લઈને પોશ સોસાયટીઓ સુધી બધે જ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ભયાનક આપત્તિ દરમિયાન જુદી-જુદી અકસ્માતની ઘટનાઓમાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા છે. આજે પણ સુરત શહેરની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને ટેક્સટાઈલ માર્કેટ પણ બંધ રાખવામાં આવી છે.

સુરત શહેર ઉપરાંત ઉપરવાસમાં આવેલા કામરેજ અને પલસાણા જેવા તાલુકાઓમાં પણ સાંબેલાધાર વરસાદ પડવાને કારણે સુરતની ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ હતી. ઉધના, લિંબાયત, સચિન, પર્વત ગામ અને વરાછા જેવા વિસ્તારો રાતોરાત પાણીમાં ડૂબી ગયા હતા. આ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર કચેરીના સંકલન હેઠળ એનડીઆરએફની ત્રણ અને એસડીઆરએફની ચાર ટીમો દ્વારા આખી રાત યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પૂરના પાણીમાં ફસાયેલા આશરે ૩૪૦૦ જેટલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને કોમ્યુનિટી હોલ અને અન્ય સલામત આશ્રયસ્થાનોમાં ખસેડાયા છે, જ્યાં તેઓને જમવા અને તબીબી સારવાર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

જિલ્લા ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના નાયબ મામલતદાર સાજીદ મેરૂજીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં બનેલી વરસાદી દુર્ઘટનાઓમાં 11 લોકો કાળનો કોળિયો બન્યા છે. જેમાં રાંદેરમાં આઝમ અને સલમાન, પાંડેસરામાં રામ પાંડે તેમજ માન દરવાજા વિસ્તારમાં અલીના નામના નાગરિકનું વીજકરંટ લાગવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે કતારગામમાં રીશિતા મિસ્ત્રી પર વીજળી પડતાં અને વરાછામાં અરુણ પંડિત અને નરેશ પીપલીયા પર ઝાડ પડવાની દુર્ઘટનામાં તેઓના મોત થયા હતા. આ ઉપરાંત પાલી અને સચિન જીઆઇડીસી વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી બે લોકો તેમજ કામરેજની ખાડીમાં તણાઈ જવાથી એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

હજુ પણ હવામાન વિભાગ દ્વારા સુરત અને તેના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. વેપારી સંગઠન 'ફોસ્ટા' દ્વારા પણ સુરતની એશિયા પ્રખ્યાત કાપડ માર્કેટને આજે સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે સિટી બસ, બીઆરટીએસ અને એસટી બસોના પૈડાં ગઈકાલે થંભી ગયા હતા. વરસાદી પાણી હજારો દુકાનો, ગોડાઉનો અને ઘરોમાં ઘૂસી જવાથી અબજો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનો સાચો આંકડો પાણી ઓસર્યા બાદ જ જાણી શકાશે.

વરસાદે તોડ્યો ૮૫ વર્ષ જૂનો રેકોર્ડ
આ તોફાની વરસાદે સુરત શહેરનો ૮૫ વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ અગાઉ વર્ષ ૧૯૪૧ના જુલાઈ મહિનામાં ૧૮ ઈંચ વરસાદ નોંધાયો હતો, જે રેકોર્ડ આ વર્ષે ધ્વસ્ત થઈ ગયો છે. ગઈકાલે શહેરના જુદા-જુદા ભાગોમાં ૧૧ ઈંચથી લઈને ૧૯ ઈંચ સુધીનો આકાશી વરસેલો જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ સરથાણા વિસ્તારમાં ૧૯ ઈંચ અને વરાછામાં ૧૮.૧૬ ઈંચ વરસાદ નોંધાયો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે રસ્તાઓ પર વાહનોની જગ્યાએ નૌકાઓ ચાલતી જોવા મળી હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કલેક્ટર તંત્ર દ્વારા ભારે ટ્રેક્ટરો અને ડમ્પરોની મદદ લેવી પડી હતી.



