રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ચાંદીપુરા રોગનો હાહાકાર મચી ગયો છે જેના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે અને તેમાં સાવચેતીના ભાગરૂપે જ્યાં જ્યાં પણ આવા કેસ મળી આવે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે છે. તાજેતરમાં ગોંડલ પંથકમાં એક કેસ પોઝિટિવ મળી આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું અને જિલ્લા પંચાયતના ડીડીઓને ગોંડલ વિસ્તારના ગામોમાં ૨૦૦ મકાનોમાં સર્વેલેન્સની કામગીરી કરવા સૂચના આપી હતી. સાથોસાથ કલેકટરે અપીલ પણ કરી હતી કે ગ્રામ્ય વિસ્તારમાં જૂના મકાનોમાં ક્યાંય તિરાડ હોય તો તેને બુરી દેવી. મોટાભાગે આ ચાંદીપુરા રોગ માખીથી ફેલાય છે અને તિરાડોમાં રહેતી હોય છે. સેન્ડફ્લાય તિરાડોમાં ઈંડા ન મૂકી શકે તેની તકેદારી રાખવી જોઈએ. તેમજ ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ અને હવા-ઉજાસ રહે તેવી વ્યવસ્થા કરવી, ૧૫ વર્ષ સુધીના બાળકોને રાત્રે મચ્છરદાનીમાં જ સુવડાવવાનો આગ્રહ રાખવો. ઉપરાંત, બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં કે ધૂળમાં રમવા દેવા નહીં અને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા જરૂરી છે. ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં તાવ, ખેંચ, ઊલટી અને ડાયેરિયાનો સમાવેશ થાય છે. તેમજ સહેજ પણ શંકાસ્પદ કેસ જણાય તો આરોગ્ય વિભાગને જાણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.