BREAKING NEWS

થાનગઢ ફાયરિંગના 14 વર્ષ બાદ મૃતકના પિતાએ તે જ સ્થળે આત્મહત્યા કરી લીધી

  • August 28, 2026 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થાનગઢમાં વર્ષ 2012માં થયેલા પોલીસ ફાયરિંગમાં 16 વર્ષના પુત્રને ગુમાવનાર પિતાએ 14 વર્ષ બાદ આત્મહત્યા કરી લેતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મૃતક અમરસિંહ સુમરાએ કથિત રીતે પુત્રના સ્મારક નજીક ચાલતી ટ્રેન સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. તેમના પુત્ર પંકજ સુમરાનું 2012ના પોલીસ ફાયરિંગમાં મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, અમરસિંહ છેલ્લા કેટલાક સમયથી પુત્રના મોત અને ન્યાય નહીં મળ્યાની વ્યથાને લઈને માનસિક તણાવમાં હતા. ફાયરિંગમાં મૃત્યુ પામેલા અન્ય યુવક મેહુલ રાઠોડના પિતા વાલજી રાઠોડના જણાવ્યા પ્રમાણે, અમરસિંહે થોડા દિવસો અગાઉ તેમની સાથે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

અમરસિંહે જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે તેમની પુત્રી પોતાના ભાઈને યાદ કરીને વ્યથિત થઈ જાય છે. પુત્રને બચાવી ન શકવાની અને તેના મોત અંગે હજુ સુધી ન્યાય ન મળ્યાની પીડા તેમને સતત સતાવતી હતી.

વાલજી રાઠોડના જણાવ્યા પ્રમાણે, અમરસિંહનો મૃતદેહ મોડી રાત્રે ત્રણેય મૃતક યુવકોની યાદમાં બનાવવામાં આવેલા બુદ્ધ સ્મારક નજીકથી મળી આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, તેમના પુત્ર પંકજનું જ્યાં 14 વર્ષ પહેલાં મોત થયું હતું, તેની નજીક જ અમરસિંહે જીવન ટૂંકાવ્યું.

22 અને 23 સપ્ટેમ્બર, 2012ની મધરાતે થાનગઢમાં તણાવભરી સ્થિતિ વચ્ચે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. તરણેતરના મેળા દરમિયાન દલિત અને ભરવાડ સમાજના લોકો વચ્ચે થયેલા વિવાદ બાદ સ્થિતિ વણસી હતી. ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગેસનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ફાયરિંગ કર્યું હતું.

આ ફાયરિંગમાં ત્રણ દલિત યુવકો 16 વર્ષના પંકજ સુમરા, 17 વર્ષના મેહુલ રાઠોડ અને 26 વર્ષના પ્રકાશ પરમારનાં મોત થયા હતા. અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો.

પોલીસે ફાયરિંગ હિંસા કાબૂમાં લેવા માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું, જ્યારે મૃતકોના પરિવારજનો અને દલિત સંગઠનોએ પોલીસ પર અતિશય બળપ્રયોગનો આક્ષેપ કર્યો હતો.

ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે તત્કાલીન સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મુખ્ય સચિવ સંજય પ્રસાદની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરી હતી. તેમણે 1 મે, 2013ના રોજ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જોકે, આ રિપોર્ટ આજદિન સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

મૃતકોના પરિવારજનોએ રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટનો પણ દરવાજો ખખડાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ વિધાનસભામાં આ મુદ્દો અનેક વખત ઉઠાવ્યો હોવાનો દાવો કર્યો છે.

14 વર્ષ બાદ પણ ન્યાયની રાહ જોતા પરિવાર પર વધુ એક દુઃખદ ઘટના બની છે. પુત્રના મોતની જગ્યા નજીક જ પિતાએ જીવન ટૂંકાવતા થાનગઢ ફાયરિંગનો જૂનો ઘાવ ફરી તાજો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application