BREAKING NEWS

ગાંધીનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં 15 શ્રમિક દટાયા

  • September 10, 2026 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ગત રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી હતી. સ્લેબના કાટમાળ નીચે અંદાજે 15 જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ બચાવ કામગીરીમાં NDRF, SDRF અને CRPFની ટીમોને પણ જોડવામાં આવી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.સ્લેબ ધરાશાયી થયા બાદ કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. ઘટનાસ્થળે લોખંડના સળિયા, સેન્ટરિંગ પ્લેટ્સ અને સિમેન્ટ-કોંક્રિટનો ભારે કાટમાળ હોવાથી બચાવ કામગીરી પડકારજનક બની હતી. કાટમાળ હટાવવા માટે હાઇડ્રોલિક ક્રેન, જેસીબી અને ગેસ કટર સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાંબી જહેમત બાદ તમામ દટાયેલા શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.રેસ્ક્યૂ કરાયેલા શ્રમિકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ઘટનામાં 15 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે. તેમાંથી બે શ્રમિકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. તમામ શ્રમિકો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંનેએ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્ત શ્રમિકોની સારવાર અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રેસ્ક્યૂ કરાયેલા શ્રમિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ પ્રશાસનને અગાઉથી એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને ઇમરજન્સી સારવાર, જરૂરી સર્જરી અને પ્રાથમિક ઉપચાર વિના વિલંબે મળે તે માટે તબીબી ટીમોને તૈનાત કરવામાં આવી હતી. તમામ દર્દીઓની સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.દરમિયાન બાંધકામ સ્થળે સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્લેબ ધરાશાયી થવા પાછળ બાંધકામની ગુણવત્તા, સેન્ટરિંગની કામગીરી અથવા અન્ય કોઈ ક્ષતિ જવાબદાર છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. તપાસમાં જવાબદારી નક્કી થયા બાદ નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application