દેશમાં કારોબાર અને રોજગારના નવા અવસરોની દ્રષ્ટિએ ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપની સંખ્યામાં બાવન ટકાનો મોટો વધારો થયો છે. આ વધારા સાથે સ્ટાર્ટઅપની કુલ સંખ્યા ૫૫,૨૦૦ વધીને ૨.૨૩ લાખને પાર કરી ચૂકી છે. આ ઉપરાંત, છેલ્લા એક વર્ષમાં ભારતમાં બે લાખથી વધુ નવી સક્રિય કંપનીઓ અસ્તિત્વમાં આવી છે.
આ નવી કંપનીઓના ઉદભવ સાથે દેશમાં સક્રિય કંપનીઓની કુલ સંખ્યા ૧૦.૮ ટકા વધીને ૨૧.૩ લાખ સુધી પહોંચી ગઈ છે, જે અગાઉના વર્ષે જૂનમાં ૧૯.૨ લાખ હતી. ખાસ કરીને બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં કંપનીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો નોંધાયો છે.
દેશના વિવિધ રાજ્યોમાં સ્ટાર્ટઅપ અને પ્રત્યક્ષ રોજગાર (ડાયરેક્ટ જોબ્સ)નું પ્રમાણ અલગ-અલગ રહ્યું છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩,૬૦,૦૦૦ કુલ કંપનીઓ નોંધાયેલી છે અને આ વર્ષે તેમાં ૬.૫ ટકાનો વધારો થયો છે. આ જ રીતે દિલ્હીમાં ૨,૫૦,૦૦૦ કુલ કંપનીઓ છે જેમાં ૯.૨ ટકાનો વધારો થયો છે, જ્યારે યુપીમાં ૧,૮૭,૦૦૦ કંપનીઓ સાથે ૧૮ ટકાનો વધારો નોંધાયો છે. રાજસ્થાનમાં ૭૭,૬૫૮ કંપનીઓ (૧૬ ટકા વધારો) અને બિહારમાં ૪૯,૫૦૦ કંપનીઓ (૧૮ ટકા વધારો) નોંધાઈ છે.
ગુજરાતમાં ૨૧,૧૨૦ સ્ટાર્ટઅપ અને 2,14,800 ડાયરેક્ટ જોબ્સ, તમિલનાડુમાં ૧૪,૮૩0 સ્ટાર્ટઅપ અને ૧,૫૨,૯00 ડાયરેક્ટ જોબ્સ, હરિયાણામાં ૧૧,૬૨૦ સ્ટાર્ટઅપ અને ૧,૩૯,૬૦૦ ડાયરેક્ટ જોબ્સ, રાજસ્થાનમાં ૮,૬૨૦ સ્ટાર્ટઅપ અને 83,100 ડાયરેક્ટ જોબ્સ કેરળમાં 11,620 સ્ટાર્ટઅપ તથા 74,130 ડાયરેક્ટ જોબ્સ નોંધાયા છે.
દેશની કુલ સક્રિય કંપનીઓમાં એકલા સર્વિસ સેક્ટરની જ ૬૬ ટકા જેટલી મોટી ભાગીદારી રહેલી છે. દેશમાં સક્રિય કંપનીઓની સંખ્યામાં વાર્ષિક ધોરણે ૧૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં સ્ટાર્ટઅપ દ્વારા ૨૩.૩૬ લાખથી વધુ પ્રત્યક્ષ રોજગારનું સર્જન થયું છે. આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી બાબત એ છે કે ૧.૦૭ લાખથી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપમાં ઓછામાં ઓછા એક મહિલા ડિરેક્ટર પણ છે. આ ઉપરાંત, છેલ્લા એક વર્ષમાં ૩૦,૦૦૦ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ સ્થાપિત થઈ છે, જેમાં સાત ટકાનો વધારો દર્શાવે છે.