BREAKING NEWS

વરસાદી ઝાપટાં શરૂ થતા આગામી દિવસોમાં મેઘમહેરની આશા જાગી

  • September 10, 2026 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભર ચોમાસે અનુકૂળ વરસાદી સિસ્ટમના અભાવે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ખેંચ યથાવત્ છે. પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થવાના આરે છે છતાં અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ થયો નથી. દરમિયાન ગઈકાલે બપોર બાદ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. જોકે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ માત્ર ઝાપટાં પૂરતો જ રહ્યો હતો.આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 267માંથી માત્ર 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં જામનગરના ધ્રોલમાં સવા બે ઇંચ, મહુવામાં એક ઇંચ, જેસરમાં અડધો ઇંચ અને કચ્છના અબડાસામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. કાલાવડ, માંડવી, લખપત, જાફરાબાદ, પડધરી, ઉપલેટા, જૂનાગઢ શહેર-ગ્રામ્ય, માણાવદર, ટંકારા, તાલાલા, પોરબંદર તથા થાન સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડ્યાં હતાં.ખેડૂત વર્ગના જણાવ્યા મુજબ હાલ પડેલો છૂટોછવાયો વરસાદ ખેતી માટે ખાસ લાભદાયી નથી. જોકે વરસાદી માહોલ યથાવત્ રહે તો પશુધન માટે ઘાસચારો ઉપલબ્ધ થવામાં થોડી રાહત મળી શકે છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં પીવાના પાણી તથા ખેતીની સ્થિતિ વધુ વિકટ બની રહી છે.દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશના દરિયાકાંઠા નજીકનું ઉપરી હવાનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત્ છે અને તેના પ્રભાવ હેઠળ આજે ઉત્તર બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર આસપાસ પણ ઉપરી હવાનું ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે.આ સિસ્ટમની અસરથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની આશા છે. ખાસ કરીને 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા અને કચ્છ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા દર્શાવવામાં આવી છે. તા. 13 અને 14 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આગામી વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છ માટે કેટલો અસરકારક બને છે તેના પર ખેડૂતોની મીટ મંડાયેલી છે. હાલના છૂટાછવાયા ઝાપટાં કરતાં વ્યાપક અને સારો વરસાદ થાય તો જ ચોમાસાની અંતિમ તબક્કાની ખેંચમાં થોડી રાહત મળવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application