રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા એવી જબરી ધાક છે કે તેની ઈચ્છા મુજબ રાજકોટ શહેરમાં રોગચાળાની વધ ઘટ થતી રહે છે. હાલ શહેરમાં મચ્છર જન્ય, ઋતુજન્ય અને પાણી જન્ય રોગચાળો પૂરબહારમાં છે તેમ છતાં આરોગ્ય શાખાના રેકર્ડ ઉપર રોગચાળો ઘટી ગયો છે ! જ્યારે વાસ્તવિકતા એ છે કે ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. આરોગ્ય શાખાએ જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટમાં જ સ્વયં એવો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે કે ગત સપ્તાહની તુલનાએ રોગચાળો ઘટ્યો હોવાનું જાહેર કરવા છતાં ૬૨૦૨ ક્લોરીન ટેબ્લેટ, ૧૧૨૨ ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું હતું તેમજ ૨,૭૯૬ આર.સી.ટેસ્ટ કરાયા હતા.વિશેષમાં આરોગ્ય શાખાએ આજે જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ૨૫ લાખની વસ્તીના રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુના બે કેસ, શરદી-ઉધરસના ૬૭૪ કેસ, તાવના ૬૩૩ કેસ, ઝાડા ઉલ્ટીના ૧૯૮ કેસ,ટાઈફોઈડના ત્રણ કેસ અને કમળાનો એક કેસ મળી વિવિધ રોગચાળાના કુલ ૧૫૧૧ કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.અલબત્ત ખાનગી તબીબો તો મનપા દ્વારા જાહેર કરાતા રોગચાળાના આંકડાને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે અને જાહેર કરાયેલા આંકડાની તુલનાએ ઓછામાં ઓછા દસ ગણા વધુ કેસ હોવાનું જણાવી રહ્યા છે.મ્યુનિ.આરોગ્ય શાખાના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ૮૬,૦૩૦ ઘરોમાં પોરાનાશક કામગીરી તેમજ મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળી તેવા ૬૧૪ ઘરોમાં ફોગિંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેંગ્યૂ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૧૯ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરાઇ હતી જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૫૧ અને કોર્મશીયલમાં ૭૧ સહિત કુલ ૩૨૨ને નોટિસ ફટકારવામાં આવી હતી.સૂત્રોએ ઉમેર્યું હતું કે, રોગચાળો કાબૂમાં લેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ ૨,૭૫,૭૭૩ જેટલી વસ્તીનો સર્વે કરાયો હતો તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ ૬,૨૦૨ જેટલી ક્લોરીન ટેબ્લેટ તેમજ ૧૧૨૨ જેટલા ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરાયું હતું તેમજ કુલ ૨,૭૯૬ આર.સી. ટેસ્ટ કરાયા હતા.