ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આજે સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીના માત્ર આઠ કલાકના ટૂંકા સમયગાળામાં રાજ્યના અનેક તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વિશેષ જોવા મળ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
આ આઠ કલાકના સમયગાળા દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ ૧૩૮ મિલીમીટર (લગભગ ૫.૪૩ ઇંચ) વરસાદ નોંધાયો છે, બોરસદમાં સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન માત્ર બે જ કલાકમાં ૧૧૦ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ૧૦૨ મિલીમીટર (૪.૦૨ ઇંચ) અને વડોદરાના કરજણ તાલુકામાં ૧૦૦ મિલીમીટર (૩.૯૪ ઇંચ) જેટલો ભારે વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા અને વાહનવ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો.
ગાંધીનગર સ્થિત ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, અમદાવાદ શહેરમાં ૮૪ મિલીમીટર, ખેડાના નડિયાદમાં ૮૭ મિલીમીટર, પંચમહાલના ગોધરામાં ૮૬ મિલીમીટર, અને મહેસાણાના વિજાપુરમાં ૭૭ મિલીમીટર વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં ૭૪ મિલીમીટર, અરવલ્લીના મેઘરજમાં ૭૧ મિલીમીટર અને સાબરકાંઠાના હિંમતનગરમાં ૭૦ મિલીમીટર વરસાદ પડ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ઉનાળા જેવી ગરમીથી લોકોને મોટી રાહત મળી છે.
ચોમાસાની આ ઉત્તરાર્ધની સિઝનમાં પડેલો આ સારો વરસાદ રાજ્યના પાકો માટે અત્યંત ગુણકારી સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને મગફળી, કપાસ, ડાંગર અને શાકભાજીના પાકોને નવું જીવન મળ્યું છે. જો કે, નીચાણવાળા વિસ્તારો અને શહેરી માર્ગો પર પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. આપત્તિ વ્યવસ્થાપન ટીમો સ્થિતિ પર સતત નજર રાખી રહી છે જેથી નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.
ભરુચમાં દિવાલ ધસી પડતા આઠ ગાડી કાંસમાં ખાબકી
ભરૂચમાં આંગન એપાર્ટમેન્ટના પાર્કિંગની જમીન ધસી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં કંપાઉન્ડની દીવાલ તૂટી જવાથી પાર્ક કરેલી 7થી 8 જેટલી ગાડીઓ સીધી નીચે કાંસમાં ખાબકી હતી. કાંસમાં પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અવરોધાઈ જતાં ભરૂચનો વ્યસ્ત કસક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ચાર બસ સહિત અનેક નાના-મોટા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે મુખ્ય માર્ગ પર વાહનવ્યવહારને ભારે અસર પહોંચતા માર્ગને સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે.ઘટનાની ગંભીરતાને જોઈને નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.
20 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 20 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની વકી છે, જ્યારે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.