નેપાળ-ચીન સરહદ પર રસુવાગઢી વિસ્તારમાં ભોટેએ કોશી નદીમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. નેપાળના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 165 મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.નેપાળ અને ચીનના તિબેટ વિસ્તારમાં મળીને આશરે 1,500 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. તેમાં ઓછામાં ઓછા 600 વિદેશી નાગરિકો હોવાનું જણાવાયું છે. નેપાળમાં બચાવકર્મીઓ હેલિકોપ્ટરની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે અને તેમને જરૂરી સામગ્રી પહોંચાડી રહ્યા છે.આ વિનાશક પૂર તિબેટના લ્હાસાને નેપાળની રાજધાની કાઠમંડુ સાથે જોડતા દુર્ગમ પહાડી વિસ્તારમાં આવ્યું છે. આ વિસ્તાર ટ્રેકર્સ અને યાત્રાળુઓમાં ખૂબ લોકપ્રિય છે.નેપાળ પોલીસના પ્રવક્તા એબી નારાયણ કાફ્લેએ જણાવ્યું કે મૃતકોની સંખ્યા 165થી પણ વધી શકે છે, કારણ કે બચાવ અને શોધખોળ અભિયાન ફરી શરૂ કરવામાં આવ્યું છે અને વધુ મૃતદેહો મળવાની આશંકા છે.પોલીસ અને પર્યટન અધિકારીઓના જણાવ્યા મુજબ, નેપાળમાં લાપતા થયેલા 826 લોકોમાં લગભગ 600 વિદેશી નાગરિકો છે. લાપતા વિદેશી પ્રવાસીઓમાં 177 ભારતીય, 63 અમેરિકન, 34 ઓસ્ટ્રેલિયન, 33 બ્રિટિશ અને 25 કેનેડિયન નાગરિકોનો સમાવેશ થાય છે.ચીનના સરકારી બ્રોડકાસ્ટર સીસીટીવીના અહેવાલ મુજબ, તિબેટના ગ્યારૉંગ કાઉન્ટીમાં 558 લોકો લાપતા છે. તેમાં 260 વિદેશી નાગરિકો સામેલ છે.સામે આવેલા અને ચકાસાયેલા વીડિયોમાં ગ્યારૉંગના બોર્ડર ક્રોસિંગ પર પાણી અને કાટમાળનો અત્યંત ઝડપી પ્રવાહ જોવા મળે છે. આ પ્રવાહમાં અનેક લોકો તણાઈ જતા દેખાય છે. બીજી તરફ નેપાળમાં અનેક મકાનો, રસ્તાઓ અને વીજળી પ્રોજેક્ટ્સ પણ પૂરના પાણીમાં તણાઈ ગયા છે.પૂરમાંથી બચેલા 68 વર્ષીય કેશવ પ્રસાદ બરાલે જણાવ્યું કે કાદવનો મોટો પ્રવાહ તેમની તરફ આવી રહ્યો હતો. પાણી અને કાદળની ઊંચાઈ સતત વધતી ગઈ. જ્યારે કાદવ તેમના ઘરમાં પ્રવેશવા લાગ્યો ત્યારે તેમણે પત્નીનો હાથ પકડીને છત પર લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની પત્ની કાદવના પ્રવાહમાં તણાઈ ગઈ. ચાર કલાક બાદ હેલિકોપ્ટરની મદદથી તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા.અન્ય એક બચી ગયેલા વ્યક્તિએ જણાવ્યું કે તેણે એક કેરીના ઝાડને પકડીને પોતાનો જીવ બચાવ્યો હતો. તેની આંખો સામે તે મકાન જ તણાઈ ગયું જ્યાં તે કામ કરતો હતો.નેપાળના અધિકારીઓના પ્રાથમિક અહેવાલોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે ગ્લેશિયરના નીચેના ભાગમાં તૂટફૂટ થઈ હશે અને ત્યારબાદ અચાનક પૂર આવ્યું હશે. જોકે, અમેરિકાના યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર શરૂઆતમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ હોવાનું જણાવાયું હતું, પરંતુ વાસ્તવમાં આ કંપન ગ્લેશિયરના પથ્થરો અને બરફના મોટા જથ્થાના ધસી પડવાથી સર્જાયેલી ઊર્જાને કારણે થયું હોઈ શકે છે. ત્યારબાદ પથ્થરો, બરફ અને કાટમાળનો ભારે પ્રવાહ નીચે તરફ ધસી આવ્યો અને વિનાશક સ્થિતિ સર્જાઈ.ચીનના અધિકારીઓએ ગ્યારૉંગ વિસ્તારમાં આવેલી એક સરોવરથી પણ સંભવિત ખતરો ઓળખ્યો છે. આ સરોવર તિબેટ-નેપાળ સરહદ ક્રોસિંગના ઉપરના ભાગમાં આવેલું છે અને આસપાસનો વિસ્તાર કાદવ તથા પૂરના કારણે ભારે પ્રભાવિત થયો છે.આ સરોવરમાં પાણીનો પ્રવાહ અથવા અન્ય કોઈ અચાનક ફેરફાર થાય તો પહાડી વિસ્તારમાં ચાલી રહેલી બચાવ કામગીરી વધુ મુશ્કેલ બની શકે છે. તેથી નેપાળ અને ચીનના અધિકારીઓ હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી સાથે સંભવિત નવા જોખમો પર પણ નજર રાખી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application