આટકોટ પંથકમાં રહેતી 17 વર્ષીય સગીરા પર ગેંગરેપનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈશ્વરીયા ગામની સીમમાંથી રાત્રીના સમયે સગીરાને બાઇકમાં ઉઠાવી અવાવરું સ્થળે લઇ જઈ બેલડીએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. હવસ સંતોષી લીધા બાદ નરાધમો સગીરાને એકલી મૂકી ફરાર થઇ ગયા હતા. બાદ પીડિતા યેનકેન પ્રકારે ઘરે પહોંચી આપવીતી વર્ણવી હતી. બાદમાં આ અંગે સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સામુહિક દુષ્કર્મ, અપહરણ અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બેલડીની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, પીડિતાના કાકાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનસુખ નાનકા ભુરીયા (ઉવ 20) અને રાકેશ દેવકાના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે આટકોટ પોલીસે બીએનએસની કલમ 70(2), પોક્સો એક્ટ તેમજ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ એમપીનાં વતની છે અને અહીં આટકોટ નજીક ઈશ્વરીયા ગામે રહી ખેતમજૂરી કરે છે. તેમના ભાઈ-ભાભી વતન એમપીમાં રહે છે જયારે તેમની 17 વર્ષીય સગીર ભત્રીજી અહીં ઈશ્વરીયા ગામે બે વર્ષથી તેમની સાથે રહે છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગત તા.21 ની રાત્રે તેઓ જમીને સુઈ ગયા હતા. બાદ બીજા દિવસે સવારે જાગતા તેમની 17 વર્ષીય ભત્રીજી ક્યાંય મળી આવી ન હતી. જેથી પરિજનોએ સગીરાની શોધખોળ આદરી હતી. દરમિયાન ભત્રીજી ઘરે આવી હતી. બાદમાં સગીર ભત્રીજીએ આપવીતી વર્ણવી હતી.
સગીરાએ તેના કાકાને જણાવ્યું હતું કે, તેમના મૂળ ગામની બાજુના ગામમાં રહેતો અને હાલ જસદણ પંથકમાં રહેતો મનસુખ નાનકા ભુરીયા ઘણા સમયથી તેણીનાં સંપર્કમાં હતો. તે સગીરા સાથે સગાઈ કરવાની વાતો કરતો હતો. દરમિયાન ગત તા.21 નાં રોજ રાત્રિના સમયે મનસુખ નાનકા અને રાકેશ દેવકા ઈશ્વરીયા ગામે વાડી વિસ્તારમાં બાઈક લઈને આવ્યા હતા. મનસુખે સગીરાને જણાવ્યું હતું કે, આપણે સગાઈ કરવાની છે, જેથી તું અત્યારે મારી સાથે આવ તેમ કહી મનસુખ અને રાકેશ સગીરાને બળજબરીપૂર્વક બાઇકમાં બેસાડી બાબરા પંથક તરફ ઉઠાવી ગયા હતા. જયા અવાવરું સ્થળે લઇ જઈ મનસુખ ભુરીયા અને રાકેશ દેવકાએ વારાફરતી તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. બંને નરાધમોએ હવસ સંતોષી સગીરાને એકલી મૂકી નાસી ગયા હતા. જે બાદ તેણી અલગ અલગ વાહન બદલાવી યેનકેન પ્રકારે ઘરે પરત ફરી હતી.
સગીર ભત્રીજીએ હકીકત જણાવતા પરિજનોનાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદ કાકાએ સગીર ભત્રીજી સાથે કુકર્મ કરનાર બંને શખસો સામે ફરિયાદ નોંધાવતા આટકોટ પોલીસે સગીરાનાં કાકાની ફરિયાદ પરથી ગુનો નોંધી બંને નરાધમોની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, સગીરા પર દુષ્કર્મ આચરના રાકેશ દેવકા પરિણીત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.