રાજકોટમાં કારખાનામાં કામ કરતી વખતે 20 વર્ષીય શ્રમિક ઢળી પડતા મોત, હાર્ટ એટેકની આશંકા
રાજકોટમાં કારખાનામાં કામ કરતી વખતે 20 વર્ષીય શ્રમિક ઢળી પડતા મોત, હાર્ટ એટેકની આશંકા
August 21, 2026 03:50 PM
રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર આહીર ચોક નજીક રંગોલી પાર્કમાં રહેતો અને સ્વાતીપાર્ક હરિઓમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ક્રિએટિવ એન્જીનીયરીંગ કારખાનામાં કામ કરતો કરણ સંજયભાઈ મેઘાણી (ઉ.વ.20)નો યુવક રાત્રીના દશેક વાગ્યે કારખાનામાં મશીન ઉપર કામ કરતો હતો ત્યારે અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો હતો. આ જોઈ સાથી શ્રમિકો સહિતના દોડી ગયા હતા અને યુવકને બેભાન હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા સાથી શ્રમિકોમાં ગમગીની છવાઈ હતી. બનાવ અંગે પરિવારને જાણ કરતા પરિવારજનો સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ આજીડેમ પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કારણ બે બહેનનો એકનો એક ભાઈ હતો. રક્ષાબંધન પૂર્વે જ વ્હાલસોયો ભાઈ ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. યુવકને હાર્ટ એટેક આવ્યાનું જણાઈ રહ્યું છે.