જામનગર: ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાના ૧૨ સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે ૨૧ સેવાકીય સંકલ્પો
૨૧ હજારથી વધુ લાભાર્થીઓને પ્રત્યક્ષ-પરોક્ષ લાભ મળશે: રૂ.૧૫ કરોડના શૈક્ષણિક વિકાસકાર્યોનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે
ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી તથા જામનગર ૭૮- ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે સમાજને સમર્પિત "એકવીશંતિ સેવા સંકલ્પનાઃ – ધ ૨૧ સેવા રિઝોલ્યુશન્સ" અંતર્ગત વિવિધ ૨૧ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી અંદાજે ૨૧,૦૦૦ થી વધુ લાભાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આગામી ૧૨ સપ્ટેમ્બર, શનિવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે જામનગરના ધન્વંતરિ ઓડિટોરીયમ ખાતે કરવામાં આવ્યું છે.
શિક્ષણ અને શાળાકીય વિકાસને પ્રાધાન્ય:
સેવા સંકલ્પ અંતર્ગત જામનગરની વિવિધ શાળાઓમાં અંદાજે રૂ.૧૫ કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિવિધ શૈક્ષણિક અને માળખાકીય વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત ૧૦૦ ટકા પરિણામ મેળવનાર સરકારી શાળાઓનું સન્માન તેમજ ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવા માટે ઈકો ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવશે. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૯ શાળાઓના આશરે ૧૪,૦૦૦ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવશે. જ્યારે સરકારી શાળાના ૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવશે.
શાળાઓના નવા મકાનોનું ઈ-ખાતમુહૂર્ત:
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.-૨ સ્થિત શાળા નં.૩૨/૫૦ ખાતે લાઇફ સંસ્થા દ્વારા અંદાજે રૂ.૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર શાળાના નવા બિલ્ડિંગનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ ઉપરાંત લોઠીયા અને ઝાખર ખાતે અંદાજે રૂ.૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર માધ્યમિક શાળાના મકાનોનું પણ ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
યુવાનો માટે રોજગાર મેળો:
જામનગરના યુવાનોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી ૧,૫૦૦૦થી વધુ યુવાનો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ૪૫ થી વધુ કંપનીઓની ઉપસ્થિતિ રહેશે, જેના થકી યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો પ્રાપ્ત થશે.
પુસ્તકાલય અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન:
વોર્ડ નં.-૨ ના મચ્છરનગર વિસ્તારમાં વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમજ વોર્ડ નં.-૪ માં પણ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.કાલાવડ તાલુકામાં શાળા છોડી ગયેલા ૩૦૦થી વધુ બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે.
શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન:
પ્રાથમિક શાળાઓમાં લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ કામગીરી કરનારા આચાર્યોનું સન્માન કરવામાં આવશે. સાથે જ જામનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો, ૧૦૦ ટકા પરિણામ મેળવનાર સરકારી શાળાઓ તથા ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવશે.
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને ૦૫ વોટર કુલર ભેટ આપવામાં આવશે.
રમતવીરોને પ્રોત્સાહન:
જામનગરના નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના રમતવીરોનું સન્માન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવશે તથા યુવા પેઢીને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
મહિલા અને સમાજસેવા માટે પણ સંકલ્પ:
યુનિટી-૧૦૦ સંસ્થા અંતર્ગત ૩૦૦ વિધવા બહેનોને કીટનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ૨૦૦ ગર્ભવતી બહેનોને પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવશે.
કાર્યકરો માટે વીમા સુરક્ષા:
જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં સંગઠન માટે કાર્યરત વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, કોર્પોરેટરો તથા બુથ પ્રમુખોને રૂ.૧૫ લાખના વીમા કવચનો લાભ અપાવવાનો સેવાકીય સંકલ્પ પણ લેવામાં આવ્યો છે.
જન્મદિવસની ઉજવણીને વૃક્ષારોપણ સાથે જોડાશે:
પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ૫ સપ્ટેમ્બરે જન્મેલા બાળકોની સંખ્યા જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. આ રીતે જન્મદિવસની ઉજવણીને પર્યાવરણ સંરક્ષણ અને સમાજસેવા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત “સેવા રથ આપના દ્વારે-૨.૦” અંતર્ગત પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
રીવાબા જાડેજાના જન્મદિવસ નિમિત્તે યોજાનારા આ ૨૧ સેવાકીય સંકલ્પોનો મુખ્ય હેતુ જન્મદિવસની ઉજવણીને માત્ર વ્યક્તિગત પ્રસંગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે શિક્ષણ, રોજગાર, મહિલા કલ્યાણ, રમતગમત, પર્યાવરણ અને સમાજસેવાના ક્ષેત્રે લોકોના જીવનમાં સીધો સકારાત્મક બદલાવ લાવવાનો છે. સમગ્ર સેવાકીય અભિયાનથી આશરે ૨૧,૦૦૦થી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભાન્વિત થશે.