જામનગર શહેર સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે પતંગ અને દોરાના કારણે ૨૨ પક્ષીઓ ઘાયલ થયા: તમામ પક્ષીઓને સારવાર અપાઇ
જામનગર શહેર સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે પતંગ અને દોરાના કારણે ૨૨ પક્ષીઓ ઘાયલ થયા: તમામ પક્ષીઓને સારવાર અપાઇ
January 15, 2026 07:24 AM
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે મકરસંક્રાંતિના પર્વના દિવસે પતંગ અને દોરાના કારણે કુલ ૨૨ પક્ષીઓ ઘાયલ થયા હતાં અને તે તમામને સારવાર આપવામાં આવી છે. પતંગ વીરોએ ગઈકાલે ઘણો સંયમ રાખ્યો છે, જેના કારણે એક પણ પક્ષીના મૃત્યુના અહેવાલો મળ્યા નથી.
જામનગરની ઉત્સવ પ્રેમી જનતા હવે મકરસંક્રાંતિના પતંગ મહોત્સવને પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવે છે. ગઈકાલે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પતંગ અને દોરાના કારણે ૧૯ કબુતર, એક કાગડો, એક કોયલ અને એક પોપટ સહિત કુલ ૨૨ પક્ષીઓ ઘાયલ થયા હતાં.
જે તમામ પક્ષીઓને સારવાર માટે ફોરેસ્ટ વિભાગ, મહાનગરપાલિકા તથા અન્ય એનજીઓ સંસ્થા વગેરે દ્વારા કરુણા અભિયાન અંતર્ગત તૈયાર કરેલા હંગામી સારવાર કેન્દ્રમાં તમામ પક્ષીઓને તાકીદ ની સારવાર આપવામાં આવી છે. ગઈકાલના સમગ્ર દિવસ દરમિયાન એક પણ પક્ષીના પતંગ-દોરાના કારણે મૃત્યુ નીપજયા હોય તેવા અહેવાલો હજુ સુધી પ્રાપ્ત થયા નથી, જે મુક પક્ષીઓ માટે સારી બાબત છે.