BREAKING NEWS

જામનગરની જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ વિરૂઘ્ધ માનસિક ત્રાસની ફરિયાદ

  • September 10, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ વિરૂઘ્ધ માનસિક ત્રાસની ફરિયાદ 

ખાનગી લેબના કામ માટે દબાણ: ઇન્ચાર્જ સુપ્રિ.એ કહ્યું તમામ આક્ષેપો પાયાવિહોણા

રાજયની સરકારી મેડીકલ કોલેજોમાં રેગીંગ સહીતના બનાવ વચ્ચે જામનગરની સરકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજ સંલગ્ન જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ  ડો.વિજય પોપટ વિ‚ઘ્ધ માનસિક ત્રાસ, ખાનગી લેબના કામ માટે દબાણ સહીતના ગંભીર આક્ષેપો સાથે ખુદ કોલેજના રેસીડેન્ટ તબીબો દ્વારા રાષ્ટ્રીય તબીબી આયોગમાં ફરિયાદ કરવામાં આવતા ચકચાર જાગી છે. જો કે, આ તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું છે. 

જામનગરની સરકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ રાષ્ટ્રીય  તબીબી આયોગમાં કરેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ અને પેથોલોજી વિભાગના વડા ડો.વીજય પોપટ દ્વારા સ્ટાફ તેમજ રેસિડેન્ટ તબીબોને અપમાનિત કરી  માનસિક ત્રાસ આપવામાં આવે છે.

આટલું જ નહીં  કેફી પીણાના સેવન બાદ ગેરવર્તણૂક કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તદઉપરાંત ફરિયાદમાં ખાનગી લેબના કામને લઈને પણ રેસિડેન્ટ તબીબો ઉપર દબાણ કરવામાં આવતું હોવાની રાવ કરવામાં આવહી છે. કેટલાક જુનિયર રેસિડેન્ટ તબીબો પોતાની વાત રજૂ કરવામાં પણ ભય અનુભવતા હોય અને વિભાગમાં પણ યોગ્ય વાતાવરણ ન હોવાના આક્ષેપો રાષ્ટ્રીય તબીબી આયોગને કરવામાં આવેલી ફરિયાદમાં કરવામાં આવતા ચકચાર જાગી છે. 

જો કે, રેસિડેન્ટ તબીબો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પેથોલોજી વિભાગના એચઓડી તથા જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.વિજય પોપટે સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમય દરમિયાન જામનગરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારી કામગીરી કરવામાં આવી છે અને હોસ્પિટલની સુવિધાઓમાં પણ વધારો થયો છે. આથી આ સુચારું કામગીરીને લઈને કોઈ વ્યક્તિએ ઈર્ષા રાખી આ પ્રકારના કાવતરા કરી રહ્યાનું પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં કેથલેબ શ‚ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યારે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝનું માન્યતા પ્રમાણપત્ર પણ મેળવવામાં આવ્યું છે. કેન્સરના દર્દીઓ માટે બાયોપ્સી સહિતની વિવિધ તબીબી કામગીરી પણ કરવામાં આવી રહી છે. ત્યારેે રેસિડેન્ટ તબીબોએ ફરિયાદમાં કરેલા આક્ષેપો અને તેની સામે ઇન્ચાર્જ સુપ્રિટેડેન્ટ દ્વારા આપવામાં આવેલા ખુલાસા વચ્ચે સાચી હકીકત શું છે તે રાષ્ટ્રીય તબીબી આયોગ અથવા સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application