જામનગરમાં શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવની ભવ્ય તૈયારીઓ
સોનાના વરખ અને ડાયમંડ જડિત પ્રતિમા સાથે તુલજા ભવાની માતાજીના રાજે શહાજી મહાદ્વાર બનશે મુખ્ય આકર્ષણ
જામનગરમાં ગણેશોત્સવની વિશિષ્ટ ઓળખ ઊભી કરનાર શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મંડળ દ્વારા છેલ્લા ૩૪ વર્ષથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ભક્તિ, આસ્થા, કલાત્મકતા અને સામાજિક એકતાના સંગમ સમાન આ મહોત્સવમાં આ વખતે ભક્તો માટે સોનાના વરખ અને રત્નજડિત ડાયમંડથી શણગારેલી ગણેશજીની વિશાળ પ્રતિમા તેમજ મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તુલજા ભવાની માતાજીના રાજે શહાજી મહાદ્વારની પ્રતિકૃતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તૈયાર કરાયેલી ગણેશજીની પ્રતિમામાં વાંસની વંજી, કંતાન, કાપડ અને માટીની પરંપરાગત કારીગરી સાથે વિશિષ્ટ સામગ્રીનો ઉપયોગ કરાયો છે. આ પ્રતિમાને સુવર્ણ વરખ અને રત્નજડિત હીરાઓથી અલંકૃત કરવામાં આવી રહી છે, જે શ્રદ્ધાળુઓનું મન મોહી લેશે. આ ઉપરાંત ડેકોરેશનમાં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાની ઝલક દર્શાવતા તુલજા ભવાની માતાજીના ઐતિહાસિક રાજે શહાજી મહાદ્વારની થીમ પર આધારિત ભવ્ય પ્રવેશદ્વાર પણ આકર્ષણ જમાવશે.
આ ભવ્ય આયોજનને સાકાર કરવા માટે મંડળના કાર્યકરો છેલ્લા બેથી ત્રણ મહિનાથી સતત પરિશ્રમ કરી રહ્યા છે. મંડળના પ્રમુખ રાજેશભાઈ નાનાણીના માર્ગદર્શન હેઠળ હર્ષ નાનાણી, હુસેનભાઈ શેખ, ઉંમરભાઈ બલોચ, ગીરીશભાઈ પરમાર, રાજેશભાઈ અણદાણી, આયુષ લાખાણી, સાગર ચૌહાણ, ભાવિન સોલંકી, વિનોદભાઈ, ધ્રુવ નાનાણી, રવિભાઈ, કિશનભાઈ, ચિરાગ ભટ્ટી, હર્ષભાઈ, આકાશભાઈ, શિવમભાઈ અને અભય સહિતના સભ્યો દિવસ-રાત કાર્યરત છે.
આ મહોત્સવની સૌથી વિશેષ વાત તેની સર્વધર્મ સમભાવ અને કોમી એકતાની અનોખી પરંપરા છે. હિન્દુ અને મુસ્લિમ સમાજના સભ્યો ભેદભાવ ભૂલીને એક પરિવારની જેમ ખભેખભા મિલાવીને મહોત્સવની તૈયારીઓમાં જોડાયા છે. ધર્મ ભલે અલગ હોય પરંતુ માનવતા અને ભાઈચારો સર્વોપરી છે તેવો પ્રેરણાદાયી સંદેશ આપતો આ ૩૪મો ગણેશ મહોત્સવ જામનગરવાસીઓ માટે અવિસ્મરણીય બની રહેશે.