હાલારના દ્વારકા અને જામનગરમાં દક્ષિણામૂર્તિ મહાદેવનું અલૌકિક મંદિર
દ્વારકામાં દક્ષિણામૂર્તિ મહાદેવ શિવલીંગ અને મૂર્તિ બન્ને સ્વરૂપે છે જ્યારે જામનગરમાં મૂર્તિ સ્વરૂપે જ બિરાજમાન છે
દેવભૂમિ દ્વારકા ભારતના અતિપ્રાચીન અને પવિત્ર યાત્રાધામોમાંનું એક છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ તરીકે વિશ્વવિખ્યાત દ્વારકા માત્ર વૈષ્ણવ પરંપરાનું કેન્દ્ર નથી, પરંતુ અહીં શૈવ, શક્ત અને સંત પરંપરાના અનેક પ્રાચીન ધાર્મિક સ્થાનો પણ આવેલા છે. દ્વારકાની આ સમૃદ્ધ આધ્યાત્મિક પરંપરામાં ટોકરાસ્વામી સાથે સંકળાયેલ દક્ષિણામૂર્તિ મહાદેવનું સ્થાન વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે.
દ્વારકા પ્રાચીન સમયથી મોક્ષપુરી, દ્વારકાવતી અને પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે. અહીં દ્વારકાધીશ મંદિર ઉપરાંત અનેક પ્રાચીન શિવાલયો અને ધાર્મિક સ્થળોએ શહેરની બહુમુખી આધ્યાત્મિક પરંપરાને જીવંત રાખી છે.
યાત્રાધામ દ્વારકાની ધાર્મિક અને ઐતિહાસિક ધરોહરમાં ગોમતી ઘાટનું વિશેષ સ્થાન છે. અહીં આવેલા પ્રાચીન મંદિરોમાં ટોકરાસ્વામીનું દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિર પણ આગવું સ્થાન ધરાવે છે. મંદિરમાં ભગવાન શિવ દક્ષિણામૂર્તિ સ્વરૂપે શિવલિંગના રૂપમાં બિરાજમાન છે.
આ મંદિરની વિશેષતા તેનું દક્ષિણાભિમુખ પ્રવેશદ્વાર છે. દ્વારકામાં દક્ષિણાભિમુખ અસર ધરાવતું આ એકમાત્ર શિવાલય હોવાનું માનવામાં આવે છે. મંદિરની આંતરિક રચનામાં દિવાલના કબાટમાં સ્થાપિત બે શ્રીયંત્ર પણ ધ્યાન ખેંચે છે. સફેદ આરસમાંથી બનાવાયેલા આ શ્રીયંત્રો સરસ્વતી પૂજા માટે ઉપયોગમાં લેવાતા હોવાનું જાણવા મળે છે.
મંદિરની સ્થાપત્યકળામાં કલાત્મક કોતરણીનું પણ સુંદર દર્શન થાય છે. કોતરણીવાળી કમાનોથી મંદિરનું સમગ્ર બાંધકામ શોભાયમાન બને છે. દક્ષિણામૂર્તિ ભગવાન શિવનું વિશિષ્ટ સ્વરૂપ છે, જેમાં તેઓ ચાર હાથવાળી પ્રતિમા સ્વરૂપે દર્શાવવામાં આવે છે.
જામનગરના હવાઈ ચોકમાં આવેલ દક્ષિણામૂર્તિ મંદિરમાં મૂર્તિ સ્વરૂપે ભોળાનાથ પૂજાય છે શિવજી ચાર શિષ્યોની સાથે બિરાજમાન છે, સાથોસાથ શિવપુત્ર ભગવાન કાર્તિકેય પણ મંદિરમાં બિરાજે છે. શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.ભગવાન શિવના અનેરા સ્વરૂપના દર્શન કરીને ભક્તજનો ધન્યતાની લાગણી અનુભવે છે.કરનાળી ચાણોદ ખાતે ભવ્ય આશ્રમ તથા બનારસ અસિ ઘાટ પર છે અંજારમાં પણ દક્ષિણામૂર્તિ મહાદેવનું મંદિર છે.વડોદરા ખાતે આવેલ એમઈએસ કોલોનીમાં દક્ષિણામૂર્તિ મહાદેવ નટરાજ સ્વરૂપે પૂજાય છે.
જુનાગઢ બિલખા આનંદ આશ્રમના સ્થાપક પરમ પૂજ્ય નથુરામ શર્મા દિવસમાં ચાર વખત દક્ષિણામૂર્તિ મહાદેવનું સ્ત્રોત બોલાતા તેમને નિરાકાર અને સગુણ સ્વરૂપના સાક્ષાતકાર થયેલ તેઓએ હિમાલયમાં દક્ષિણામૂર્તિ મહાદેવની ઉગ્ર તપસ્યા કરી હતી.તેઓ જામનગર દક્ષિણામૂર્તિ મહાદેવના દર્શન કરવા અચૂક આવતા બિલખા આનંદ આશ્રમમાં દક્ષિણામૂર્તિ મહાદેવ બિરાજે છે.
ઇતિહાસની દૃષ્ટિએ પણ દ્વારકાનું મંદિર મહત્વપૂર્ણ છે. આશરે ઈ.સ. ૧૮૮૨માં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ કામનો પ્રારંભ સ્વામી શ્રી પૂર્ણાશ્રમ, ઉપનામ ટોકરા સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, બાંધકામ અધૂરું રહેતા જામનગર (વડનગર)ના નાગર બ્રાહ્મણ મહેતા વિજયશંકર અચળજી શ્રોત્રિય અગ્નિહોત્રી તથા રસવૈદ્ય નાનુભાઈ છબીલદાસ દ્વારા મંદિરનું બાંધકામ પૂર્ણ કરાવવામાં આવ્યું હતું.
દ્રારકા દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર સાથે સંકળાયેલી વિગતોનો ઉલ્લેખ કરતો શિલાલેખ આજે પણ મંદિર પરિસરમાં જોવા મળે છે. શિલાલેખની નીચે ટોકરા સ્વામીની પ્રતિમા પણ સ્થાપિત છે, જે મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ સ્મૃતિરૂપે અસ્તિત્વ ધરાવે છે.
વડોદરાના દિવાન બન્યા ટોકરા સ્વામી:
જામનગર દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિરમાં છઠ્ઠી પેઢીથી સેવા પૂજા કરતા ધાત્રીબેન આચાર્યના જણાવ્યા અનુસાર વડોદરામાં રાજાશાહી સમયમાં મૂળશંકર ભટ્ટ નામના શિવ ભક્ત દિવાન હતા તેમના સપનામાં દક્ષિણામૂર્તિ મહાદેવ આવ્યા અને કહ્યું રાજકારણ છોડીને દ્વારકા અને જામનગરમાં મારૂં પુન: સ્થાપન કરો બાદમાં તેઓ જામનગર અને દ્વારકા આવ્યા ત્યારબાદ તેઓ ટોકરા સ્વામી તરીકે જાણીતા થયા.
દક્ષિણામૂર્તિ મહાદેવ:ભગવાન શિવનું વિશીષ્ટ સ્વરૂપ:
દ્વારકા અને જામનગરમાં આવેલ ટોકરા સ્વામીનું દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિર શિવભક્તિના એક વિશિષ્ટ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં ભગવાન શિવને માત્ર દેવાધિદેવ તરીકે નહીં પરંતુ જગદ્ગુરુ, જ્ઞાનદાતા અને આત્મજ્ઞાનના માર્ગદર્શક તરીકે પૂજવામાં આવે છે.દ્વારકા જ્યાં શ્રીકૃષ્ણની ભક્તિથી ગુંજે છે, ત્યાં શિવના દક્ષિણામૂર્તિ સ્વરૂપની ઉપાસના ભારતીય સંસ્કૃતિના શૈવ અને વૈષ્ણવ સમન્વયને પણ સુંદર રીતે વ્યક્ત કરે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરની ભારતીય ભાવનાને જીવંત રાખતું દક્ષિણામૂર્તિનું સ્વરૂપ આજે પણ ભક્તોને જ્ઞાન, વિનમ્રતા અને આધ્યાત્મિક પ્રકાશ તરફ દોરી જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application