BREAKING NEWS

જામનગરમાં કાલે બેંક કર્મીઓની હડતાલ, રૂ.૨૨૦૦ કરોડનું કલીયરીંગ ઠપ્પ થશે

  • September 10, 2026 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં કાલે બેંક કર્મીઓની હડતાલ, રૂ.૨૨૦૦ કરોડનું કલીયરીંગ ઠપ્પ થશે

શનિ-રવિની રજા હોય ગુરૂવારના ચેક સોમવારે કલીયર થશે: એટીએમ પણ ખાલીખમ થતાં મુશ્કેલી બેવડાશે

બેંકોમાં કામગીરી સપ્તાહમાં પાંચ દીવસ કરવા, પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવની માંગણી ન સંતોષાતા રાજયની સાથે જામનગરમાં પણ કાલે બેંક કર્મચારીઓ હડતાલ પાડશે. આથી અંદાજે રૂ.૨૨૦૦ કરોડનું કલીયરીંગ ઠપ્પ થશે.હડતાલમાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ જોડાશે. ખાનગી અને સહકારી બેંકો ચાલુ રહેશે. શનિ-રવિની રજા હોય ગુરૂવારના ચેક સોમવારે કલીયર થશે. આથી બેંક ખાતામાં નાણાં હોવા છતાં ગ્રાહકોએ રઝળપાટ કરવી પડશે. એટીએમ પણ ખાલીખમ થતાં મુશ્કેલી બેવડાશે. 

સરકારની કુટનીતિ અને સમાધાનના ભંગના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના ૭ યુનિયન દ્વારા ૧૧ સપ્ટેમ્બરે હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંક કર્મચારીઓ અને અધિકારીઓના વિવિધ પડતર  પ્રશ્ર્ને તથા અગાઉ થયેલી દ્રિપક્ષીય સમજૂતીઓના અમલ સરકાર દ્વારા ન કરવામાં આવતા હડતાલનું રણશીંગુ ફૂકવામાં આવ્યું છે. બેંક યુનિયનો દ્વારા સપ્તાહમા ૫ દીવસ બેંકીગ કામગીરી, સરકારની એકપક્ષીય અને ભેદભાવપૂર્ણ પીએલઆઇ યોજનામાં યુનિયનો સાથે ચર્ચા કરીને ફેરફાર કરવા તથા અન્ય પડતર માંગણી સંતોષવા માંગણી કરી છે. અત્રે નોંધનીય છે કે,શનિવારે બેંકમાં રજા જાહેર કરવાની ભલામણ સરકારને મોકલવામાં આવી હતી અને સરકારની મંજૂરી તથા જરૂરી પ્રક્રીયા  પૂર્ણ થયા મુજબ કર્મચારીઓ રોજના ૪૦ મીનીટનો કામકાજનો સમય વધારવા સંમત થયા છે. પરંતુ લાંબો સમય થવા છતાં સરકાર તરફથી મંજૂરી આપવામાં આવતી નથી. આ મુદે અગાઉ પણ બેંક યુનિયનો દ્વારા આંદોલન અને હડતાલ પાડવામાં આવી છે. તદઉપરાંપ પીએલઆઇ તથા અન્ય મહત્વના પ્રશ્ર્નો ઉકેલાયા નથી તો કેટલાક મુદા સમાધાનની પ્રક્રીયામાં છે. આ તમામ પ્રશ્ર્નો અને માંગણીઓને અનુલક્ષીને કાલે રાજયની સાથે જામનગરમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ એક દીવસની હડતાલ પાડશે. આથી નેશનલલાઇઝડ બેંકોમાં બેકીંગ કામગીરી બંધ રહેશે.

બેંક હડતાલમાં જામનગરની ૧૨ નેશનલ બેંકોની ૬૦ થી વધુ શાખાના કર્મચારીઓ જોડાશે. આથી અંદાજે રૂ.૨૨૦૦ કરોડનું કલીયરીંગ ઠપ્પ થશે. જો કે, ખાનગી અને સહકારી બેંકો કાર્યરત રહેશે. અત્રે નોંધનીય છે કે બીજો શનિવાર અને રવિવાર બેંકો બંધ હોય ગુરૂવારે બેંકોમાં રજૂ થયેલા ચેક સોમવારે કલીયર થશે. આટલું જ નહીં ત્રણ દીવસ બેંકો બંધ રહેતા બેંક ખાતામાં નાણાં હોવા છતાં ગ્રાહકોને નાણાં માટે રઝળપાટ કરવી પડશે તેમાં બેમત નથી. વધુમાં એટીએમમાં પણ નાણાં ખાલીખમ થતાં મુશ્કેલી બેવડાશે. આવતીકાલે બેંક હડતાલના પગલે જામનગરમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ દ્વારા રણજીતનગર ખાતે આવેલી સેન્ટ્રલ બેેંક ઓફ ઇન્ડીયાની શાખા ખાતે દેખાવ અને સૂત્રોચ્ચાર કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application