શ્રીલંકાની એક જેલમાં કેદીઓના બે જૂથો વચ્ચે ભીષણ હિંસક અથડામણ થઈ હતી. આ લોહિયાળ અથડામણમાં 4 સુરક્ષા કર્મચારીઓ સહિત 25 કેદીઓ માર્યા ગયા હતા, જ્યારે 100થી વધુ કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને છેલ્લા પાંચ વર્ષમાં દેશની સૌથી ઘાતક જેલ હુલ્લડ તરીકે વર્ણવવામાં આવી રહી છે.
આ ઘટના રાજધાની કોલંબોની ઉત્તરે સ્થિત નેગોમ્બો શહેરની મુખ્ય જેલમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે જેલમાં બંધ ડ્રગ માફિયાઓના બે હરીફ જૂથો વચ્ચે વિવાદ શરૂ થયો હતો, જેણે સોમવારે સવાર સુધીમાં મોટા હુલ્લડનું સ્વરૂપ લીધું હતું.
ઘાયલોને તાત્કાલિક નજીકના નેગોમ્બો સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડિરેક્ટર પુષ્પા ગમલાથે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમની હોસ્પિટલમાં 23 મૃતદેહો લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, 100થી વધુ ઘાયલ કેદીઓ અને રક્ષકોને દાખલ કરવામાં આવ્યા છે. ઘટનામાં કેટલાકને ગોળી વાગી છે, જ્યારે અન્યને ઊંડા ઘા અને તીક્ષ્ણ હથિયારોથી થયેલી ઈજાઓ છે.