BREAKING NEWS

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ: ભરૂચ નજીક રેલવે ટ્રેક પર ૨,૯૦૦ ટન વજનનો ભીમકાય સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ

  • May 21, 2026 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર) અંતર્ગત ગુજરાતમાં એન્જિનિયરિંગનો અદભુત નમૂનો જોવા મળ્યો છે. ભરૂચ નજીક કાર્યરત રેલવે ટ્રેક (ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર) ઉપરથી પસાર થતા એક ભીમકાય સ્ટીલ બ્રિજના મુખ્ય હિસ્સાનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ભરૂચ નજીક તૈયાર થઈ રહેલો આ ખાસ સ્ટીલ બ્રિજ કુલ ત્રણ સ્પાન ધરાવે છે, જેની કુલ લંબાઈ ૩૩૦ મીટર જેટલી છે.

આ પ્રોજેક્ટની સૌથી મોટી વિગત તેના ૧૩૦ મીટર લાંબા મુખ્ય સ્પાન સાથે જોડાયેલી છે. ૧૬ મે ૨૦૨૬ના રોજ જેનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, તે સ્પાન આશરે ૧૮ મીટર ઊંચાઈ અને ૧૫.૫ મીટર પહોળાઈ ધરાવે છે. આ સિંગલ સ્પાનનું વજન જ અંદાજે ૨,૯૦૦ મેટ્રિક ટન છે, જે પોતાનામાં એક રેકોર્ડ સમાન છે. ટેકનિકલ દ્રષ્ટિએ આ ભવ્ય માળખું 330 મીટરના કન્ટિન્યુઅસ સ્પાનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.


આ પ્રોજેક્ટના બાકીના બે હિસ્સાની વાત કરીએ તો, ૧૦૦ મીટરના એક સિમ્પલી સપોર્ટેડ સ્પાનનું કામ અગાઉથી જ પૂર્ણ કરી દેવાયું હતું . આશરે ૧,૫૦૦ મેટ્રિક ટન વજન ધરાવતા આ સ્પાનને માર્ચ ૨૦૨૬ દરમિયાન નિર્માણ સ્થળ પર જ (ઇન-સીટુ) સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવાયો હતો. જ્યારે બાકીના ૧૦૦ મીટરના અન્ય એક કન્ટિન્યુઅસ સ્પાનનું વજન આશરે ૧,૬૦૦ મેટ્રિક ટન છે, જેને હવે આગામી સમયમાં નિર્માણ સ્થળ પર જ એસેમ્બલ કરીને સ્થાપિત કરવામાં આવશે. જ્યારે આ ત્રણેય સ્પાન એકબીજા સાથે જોડાઈને બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થશે, ત્યારે આ આખી સંરચનાનું કુલ વજન અંદાજે ૬,૧૦૦ મેટ્રિક ટન જેટલું ભીમકાય હશે.


નીચેથી સતત પસાર થતા ચાલુ રેલવે ટ્રેક ઉપર આટલા વિશાળ અને વજનદાર માળખાને લોન્ચ કરવું એ ભારતીય અને જાપાનીઝ એન્જિનિયરો માટે એક બહુ મોટો પડકાર હતો. ટ્રેન વ્યવહારને ખલેલ પહોંચાડ્યા વિના આ કામ પાર પાડવા માટે સ્માર્ટ એન્જિનિયરિંગ પદ્ધતિ અપનાવવામાં આવી હતી.


આ સ્પાનને સૌપ્રથમ જમીનથી આશરે ૧૪ મીટરની ઊંચાઈએ અસ્થાયી ટ્રેસ્ટલ્સ (ખાસ બનાવેલા લોખંડી ઢાંચા) પર ખૂબ જ ચોકસાઈપૂર્વક એસેમ્બલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બે અત્યાધુનિક સેમી-ઓટોમેટિક જેકની મદદથી સ્વચાલિત પદ્ધતિ દ્વારા તેને ધીમે-ધીમે આગળ ધપાવવામાં આવ્યો હતો. આ જેકમાં ભારે-ભરખમ લોડને સુરક્ષિત રીતે ખસેડવા માટે ખાસ 'મેક-એલોય બાર્સ'નો ઉપયોગ કરાયો હતો, જે રેલવે લાઈનની ઉપરથી પસાર થતી વખતે ૨૫૦ ટન સુધીની પુશિંગ (ધકેલવાની) ક્ષમતા ધરાવે છે. આ સફળ લોન્ચિંગ સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ભારતમાં હાઈ-સ્પીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ તરફ વધુ એક મોટું કદમ વધાર્યું છે.​​​​​​​


૧૦૦ વર્ષના આયુષ્ય માટે ખાસ ડિઝાઇન

આ સ્ટીલ બ્રિજોનું નિર્માણ ખાસ વ્યૂહાત્મક રીતે ગુજરાતના ઉમરગામ સ્થિત 'કાર્બન ફેક્ટરી વર્કશોપ'માં કરવામાં આવ્યું છે. આ બ્રિજને અત્યંત મજબૂત અને ૧૦૦ વર્ષના લાંબા આયુષ્યને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. ૧૩૦ મીટરના આ સ્પાનના નિર્માણમાં વિશ્વસ્તરીય એન્જિનિયરિંગની સર્વોચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આખા સ્ટ્રક્ચરને મજબૂતાઈથી જકડી રાખવા માટે આશરે ૧,૨૧,૩૭૩ ટોર-શિયર પ્રકારના હાઈ સ્ટ્રેન્થ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભવિષ્યમાં કાટ અને ખરાબ હવામાન સામે રક્ષણ આપવા માટે તેના પર અદ્યતન 'સી-ફાઇવ સિસ્ટમ' પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે તેમજ બ્રિજની લાંબા ગાળાની ક્ષમતા જાળવી રાખવા માટે ખાસ મેટાલિક બેરિંગ બેસાડવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application