રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્રિકેટ લવર્સ જો તિલક વર્મા અને અભિષેક શર્માનો ચગ્ગા-ચોગ્ગાનો વરસાદ જોવો હોય તો તેમના માટે ખુશીના સમાચાર છે. ઈન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. આવતીકાલે બંને ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે અને 10 દિવસ સુધી કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાણ કરશે. રાજકોટમાં રમાનાર વનડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં રમશે. આ ત્રણેય વન-ડે મેચ રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટ લવર્સને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.
ત્રણ વન-ડે મેચનું શેડ્યુલ
13 નવેમ્બર- પહેલો વન-ડે મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે
16 નવેમ્બર- બીજો વન-ડે મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે
19 નવેમ્બર- ત્રીજો વન-ડે મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે
હોટલ સયાજી ખાતે ખેલાડીઓ માટે રોયલ રજવાડી થીમ પર સજાવટની સાથે જ, તેમને ગાંઠિયા, જલેબી, થેપલા અને સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી જેવી મનપસંદ વાનગીઓ પીરસવાની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે અહીં યોજાનાર ત્રણેય મેચ નિહાળવા પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
ત્રણેય મેચ હાઈ સ્કોરિંગ થાય તેવી આશા
અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ ધમાકેદાર પર્ફોમન્સ આપશે. રાજકોટની પીચ બેટિંગ પીચ માનવામાં આવે છે માટે ટીમ ઇન્ડિયાના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ મારફતે તમામ ત્રણેય મેચ હાઈસ્કોરિંગ થવાની આશા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો.
ઇન્ડિયા-A ટીમના ખેલાડીઓ
તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બડોની, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિધ્ધ કિષ્ના, ખલીલ અહેમદ
સાઉથ આફ્રિકા-A ટીમના ખેલાડીઓ
માર્ક્વેસ એકરમેન (કેપ્ટન), જોર્ડન હર્મન, સિનેથેમ્બા ક્વેશિલ, જેસન સ્મિથ, ડેલાનો પોટગીટર, કોડી યુસુફ, રુબિન હર્મન, રિવાલ્ડો મૂનસામી, લ્યુઆન-ડ્રે પ્રેટોરિયસ, ઓટ્ટનીલ બાર્ટમેન, બ્યોર્ન ફોર્ટ્યુન, ક્વેના માફાકા, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોંગવાના, એનકાબાયોમ્ઝી પીટર