જામનગર: હાપા યાર્ડના વેપારીને ધમકાવી ૩ લાખ પડાવી લીધાની સંજય ચેતરીયા સામે ફરીયાદ
સસ્તા અનાજના ઘઉં મંગાવેલ છે તેમ કહી આરોપીઓ ગાડાઉને પહોચ્યા : વિડિયો ઉતારી બદનામ કરવા દાંટી મારી : નવરાત્રીના સંચાલક અને સાગરીત સામે ગુનો નોંધાયો
જામનગરના નવરાત્રીના સંચાલક સામે વધુ એક પોલીસ ફરીયાદ દાખલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે, અત્યાર સુધી પાંચ ફરીયાદો નોંધાઇ ચુકી છે, જેમાં આરોપીની ધરપકડ કરીને રીમાન્ડ પર લેવામાં આવ્યો છે, દરમ્યાનમાં હાપા યાર્ડના વેપારીના ગોડાઉને જઇને સસ્તા અનાજના ઘઉં મંગાવેલા છે પુરવઠામાં પકડાવી દેવા વિડિયો અપલોડ કરવા ધમકાવી ધંધો ચાલુ રાખવો હોય તો પૈસા આપવા પડશે એવી લાંટી મારીને સાગરીત મારફત ૩ લાખ પડાવી લઇ વધુ રકમની માંગણી કરવામાં આવતા સંજય ચેતરીયા સહિત બે સામે પંચકોશી-એમાં પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ મુળ મીઠાપુરના વતની અને હાલ જામનગરના રણજીતસાગર રોડ પટેલ પાર્ક શેરી નં. ૭માં રહેતા અને હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે વેપાર કરતા નયન સુરેશભાઇ ભાયાણીએ ગઇ રાત્રીના પંચકોશી-એમાં જામનગરના સંજય ચેતરીયા, જામનગરના દિપકભાઇ તથા તપાસમાં ખુલે તે તમામ સામે બીએનએસ ૨૦૨૩ની કલમ ૩૦૮(૫), ૩૫૬(૧), ૩૫૧(૩), ૩૫૨, ૬૧(૨) મુજબ ફરીયાદ નોંધાવી છે.
ગત તા. ૨૯-૪-૨૬ સવારના દસેક વાગ્યાના સુમારે હાપા વેરહાઉસ પાછળ શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ પ્લોટ નં. ૨૭ ખાતે આવેલા ફરીયાદીના ગોડાઉને ઉપરોકત આરોપીઓએ જઇ બોલેરો ગાડીમાં ભરેલ સસ્તા અનાજના ઘઉં મંગાવેલ છે તે ફરીયાદીનો વિડીયો ઉતારી પુરવઠામાં પકડાવી સનાતન સત્ય સમાચારની યુ-ટયુબ ચેનલમાં અપલોડ કરી વેપાર ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી હતી.
તેમજ વેપાર ધંધો ચાલુ કરવો હોય તો પૈસા આપવા પડશે તેમ કહી ગેરશબ્દો બોલી મોબાઇલ ફોન તેમજ વોટસએપ કોલમાં ધમકાવી બદનામ કરવાની ધમકી દઇ તેમજ સંજય ચેતરીયા ગોડાઉન ઉપર જઇ ધમકાવી મૃત્યુના ભયમાં મુકી સંજયએ તેમના સાથીદાર દિપકભાઇને મોકલીને ધમકાવી ૩ લાખ રૂપીયા બળજબરી પુર્વક કઢાવી લઇ ત્યાર બાદ વધુ બે લાખ રૂપીયા પડાવી લેવા માટે ધમકી ચાલુ રાખી ઉપરોકત બંને શખ્સો અને તેના મળતીયાઓએ કાવતરુ રચી ગુનો કર્યો હતો. આ ફરીયાદના આધારે પંચ-એના પીઆઇ એમ.એન. શેખ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રીના સંચાલક સંજય ચેતરીયા સામે તાજેતરમાં જ સીટી-એ, સીટી-બી, પંચકોશી-બીમાં બે મળી કુલ ચાર ફરીયાદ દાખલ થઇ હતી દરમ્યાનમાં પંચ-બી પોલીસે આરોપીની અટક કરી રીમાન્ડ પર લઇ પુછપરછ કરવામાં આવી રહી છે, દરમ્યાનમાં પંચ-એમાં વધુ એક ફરીયાદ દાખલ થઇ છે. આમ અત્યાર સુધી નવરાત્રી સંચાલક સામે પાંચમી પોલીસ ફરીયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.