સુરતની વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની કાયદાકીય મુશ્કેલીઓમાં દિન-પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ બદનક્ષી, ધાકધમકી અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં હાલ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે જેલવાસ ભોગવી રહેલી કીર્તિ પટેલ સામે હવે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ હેઠળ નવો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પુણા પોલીસ સ્ટેશનની ટીમે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને લાજપોર જેલમાંથી તેની વિધિવત કસ્ટડી મેળવીને આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વર્ષ ૨૦૧૯થી મકાનનો કબ્જો મેળવવા વૃદ્ધ મકાનમાલિકના ધક્કા
આ સમગ્ર મામલે પીડિત મકાનમાલિક વૃદ્ધ કીર્તિભાઈ ઈશ્વરદાસ પટેલે પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગંભીર આપવીતી સાથે ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ ૨૦૧૯થી પોતાના જ માલિકીના મકાનનો કબ્જો પાછો મેળવવા માટે સતત સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. કીર્તિ પટેલ ગેરકાયદેસર રીતે મકાન ખાલી ન કરતી હોવાના કારણે મકાનમાલિકના બાળકો સહિત સમગ્ર પરિવાર ભારે માનસિક તણાવ, આર્થિક નુકસાન અને હેરાનગતિ ભોગવવા માટે મજબૂર બન્યો છે.
ઝઘડા અને મારપીટ છતાં ખોટા બહાના બતાવી મકાન ખાલી ન કર્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, મકાનમાલિકે શરૂઆતમાં એકલી છોકરીને મકાન આપવાની સાફ ના પાડી દીધી હતી. પરંતુ કીર્તિ પટેલે દલાલ રમેશભાઈ મારફતે એવી રજૂઆત કરી હતી કે, તે પોતાના ભાઈ અને ભાભી સાથે ત્રણ જણા અહીં રહેવાના છે. જોકે, મકાન ભાડે રાખ્યા બાદ તેણે ભાડા કરાર માટેના કોઈ પણ જરૂરી કાયદાકીય દસ્તાવેજો આપ્યા નહોતા. મકાનમાં રહેવા આવ્યા બાદ તેની મારપીટ અને અંદરોઅંદરના ઝઘડાઓની વ્યાપક ફરિયાદો ઉઠતાં મકાનમાલિકે ઘર ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ 'બીજે મકાન મળતું નથી' તેવા બહાના બનાવી તેણે મકાનનો કબ્જો છોડ્યો નહોતો.
કોરોનાકાળના નિયમોનો ગેરલાભ ઉઠાવ્યો, ૨૦૧૯થી ભાડું પણ ન ચૂકવ્યું
મકાન ખાલી કરાવવા અંગેનો મામલો સ્થાનિક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવા છતાં કીર્તિ પટેલે અવનવા બહાના બતાવીને કાયદાકીય પ્રક્રિયાથી બચવાનો પ્રયાસ કર્યો હતો અને મકાન ખાલી કરવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. મકાનમાલિકનો આરોપ છે કે કીર્તિ પટેલે કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનો ગેરલાભ ઉઠાવ્યો હતો અને ઘર ખાલી કરવાને બદલે દાદાગીરી ચાલુ રાખી હતી. વર્ષ ૨૦૧૯થી લઈને અત્યાર સુધી તેણે મકાનનું ભાડું પણ ચૂકવ્યું નથી અને ગેરકાયદે કબ્જો જમાવી રાખ્યો હતો, જેના પગલે આખરે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.