BREAKING NEWS

પોરબંદર જિલ્લામાં ૨૩૦ કરોડથી વધુના મુડીરોકાણ સાથે થયા ૩૩૭ એમ.ઓ.યુ.

  • January 07, 2026 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાઈબ્રન્ટ ગુજરાતના પ્રભાવથી પોરબંદર જિલ્લો ઔદ્યોગિક વિકાસની નવી દિશામાં: ઉદ્યોગ સાહસિકોની સંખ્યા ૭,૬૦૦ થી વધીને ૨૦,૦૦૦ને પાર થઇ: ૧૬૦%નો ઉછાળો


વાઈબ્રન્ટ ગુજરાતના પ્રભાવથી પોરબંદર જિલ્લો ઔદ્યોગિક વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યો છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે નવા પ્રાણ ફૂંકાયા છે.સંયુક્ત ઉદ્યોગ કમિશ્નર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ડી.આર. પરમારે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,પોરબંદર હવે માત્ર મત્સ્યોદ્યોગ પુરતું મર્યાદિત ન રહેતા સર્વિસ સેક્ટર, ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગમાં પણ હરણફાળ ભરી રહ્યું છે.વર્ષ ૨૦૨૨માં જિલ્લામાં જ્યાં ૭,૬૦૦ જેટલા ઉદ્યોમીઓ નોંધાયેલા હતા, તે આંકડો ૨૦૨૫ માં વાઈબ્રન્ટ ગુજરાત રીજન્લ કોન્ફર્ન્સના જિલ્લા સ્તરીય કાર્યક્રમના અંતે ૨૦,૦૦૦ને પાર કરી ગયો છે.ઉદ્યોગ સાહસિકોના રજિસ્ટ્રેશનમાં થયેલો આ ૧૬૦% નો ઉછાળો પોરબંદરના બદલાતા આર્થિક ચિત્રની ગવાહી આપી રહ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે,પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરાયેલી પહેલના પરિણામે જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ ગુજરાત પ્રોગ્રામમાં કુલ ૩૩૭ જેટલા એમ.ઓ.યુ.  થયા છે, જેના દ્વારા આશરે રૂ.૨૩૦ કરોડથી વધુનું રોકાણ આવવાની શક્યતા છે.આ રોકાણોમાં મુખ્યત્વે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ તેમજ સી-ફૂડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોકાણકારોએ વધુ રસ દાખવ્યો છે. ખાસ કરીને પોરબંદરની કૃષિ પેદાશો જેવી કે મગફળી (સિંગદાણા) અને બરડા ડુંગરની કેરીઓના પલ્પને પ્રોસેસ કરીને આખરી ઉત્પાદન તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.આ ઉપરાંત, મિનરલ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝમાં પણ નવા સાહસો આકાર લઈ રહ્યા છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, ઉદ્યોગોના વિકાસ માટે જિલ્લામાં માળખાકીય સુવિધાઓને પણ વેગ આપવામાં આવી રહ્યો છે. જી.આઈ.ડી.સી. એસ્ટેટ અને ખાસ સી-ફૂડ પાર્ક જેવી સુવિધાઓમાં નવીનતમ પહેલ સાથે ઔદ્યોગિક પ્રગતિને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. સરકારની આ યોજનાઓ અને રોકાણકારોના ઉત્સાહને જોતા આગામી સમયમાં પોરબંદર જિલ્લો પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવશે, જે સ્થાનિક રોજગારી અને અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application