BREAKING NEWS

જૂના સચિવાલયના જર્જરિત ૪ બ્લોક્સ તૂટશે : ૩૯ કચેરીઓનું સ્થળાંતર કરાશે

  • August 12, 2026 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગાંધીનગરના જૂના સચિવાલય સંકુલમાં આવેલ ડૉ. જીવરાજ મહેતા ભવનના જર્જરિત બની ગયેલા ૪ જૂના બ્લોક્સને તોડી પાડવાનો માર્ગ હવે મોકળો થયો છે. આ સંકુલના બ્લોક નં. ૨, ૩, ૪ અને ૯ માં ચાલતી વિવિધ કચેરીઓ અને અન્ય જરૂરી સંસ્થાઓને નવા બનેલા બે બ્લોક્સમાં ખસેડવા માટે સરકાર દ્વારા કુલ ૧,૧૭,૯૦૦ ચોરસ ફૂટ જગ્યા ફાળવવામાં આવી છે.સૌથી ઓછી 150 ચોરસ ફૂટ જગ્યા વર્ગ 4 કર્મચારી યુનિયનને ફાળવી છે. જૂના બ્લોક્સ અત્યંત જર્જરિત થઈ ગયા હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં તેને તોડી પાડવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને હાલ આ બ્લોક્સમાં કાર્યરત કચેરીઓને નવા બનેલા બ્લોક્સમાં સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે હાથ ધરવામાં આવી છે. કઈ કચેરીને કેટલી જગ્યાની જરૂર છે, મંજૂર મહેકમ કેટલું છે અને વહીવટી જરૂરિયાતો કેટલી છે તેની સવિસ્તર સમીક્ષા કર્યા બાદ, કુલ ૩૯ કચેરીઓને નવી જગ્યા ફાળવવામાં આવી છે. આ નવા બ્લોક્સમાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ઉપરાંત મહત્વના બોર્ડ-નિગમો, આયોગો અને કેન્દ્ર સરકારની કેટલીક કચેરીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. નવા બ્લોક્સમાં કચેરીઓનું સ્થળાંતર થાય તે પૂર્વે જૂની કચેરીઓમાં રહેલા બિનઉપયોગી ફર્નિચર, ઇ-વેસ્ટ અને નકામા રેકોર્ડનો નિયમ મુજબ નિકાલ કરવાનો રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંબંધિત કચેરીઓએ પોતાની જૂની જગ્યા નિર્ધારિત સમયમર્યાદામાં માર્ગ અને મકાન વિભાગને સોંપવાની રહેશે, જેથી જર્જરિત ચાર બ્લોક્સને તોડી પાડવાની કામગીરી સમયસર અને સુરક્ષિત રીતે શરૂ થઈ શકે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નવા બ્લોક્સમાં જગ્યા મેળવનારી તમામ કચેરીઓએ બેઠક વ્યવસ્થાનો લેઆઉટ અગાઉથી જ તૈયાર કરવાનો રહેશે. તેમજ ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ અને કરકસરયુક્ત ઉપયોગ સુનિશ્ચિત કરવાનો રહેશે. નવા બાંધકામની આંતરિક રચનામાં માર્ગ અને મકાન વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈપણ પ્રકારના ભૌતિક ફેરફાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજનથી ગાંધીનગરના સચિવાલય પરિસરમાં વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે અને સુરક્ષા જોખમો પણ નિવારી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application