BREAKING NEWS

એક જ પરિવારના 4 લોકોને કાળ ભરખી ગયો, સુરત નજીક ઇકો કાર આઈશર ટેમ્પો પાછળ ઘૂસી ગઈ

  • April 08, 2026 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ ટક્કરમાં આણંદ જિલ્લાના ખંભાતનો એક સુખી પરિવાર કાળનો કોળિયો બની ગયો છે. હાઈવે પર સ્થિર ઉભેલા આઈશર ટેમ્પોની પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતા કારમાં સવાર ચારેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.


કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના ખંભાત ખાતે કાદરપુરા મહોલ્લામાં રહેતો દાઉદી વ્હોરા સમાજનો એક પરિવાર મુંબઈની હોસ્પિટલમાં સારવાર કરાવીને મોડી રાત્રે પોતાની ઈકો કારમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન દસ્તાન ગામ પાસે હાઈવે પર એક આઈશર ટેમ્પોનું ટાયર ફાટી જતાં તે હાઈવે પર જ ઉભો રહ્યો હતો. અંધારામાં પૂરપાટ ઝડપે આવતી ઈકો કારને આ ઉભેલો ટેમ્પો ન દેખાતા કાર સીધી તેની પાછળ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


પોલીસની કાર્યવાહી અને તપાસ

અકસ્માતની જાણ થતા જ સુરત ગ્રામ્યના DYSP એચ.એલ. રાઠોડ અને પલસાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. DYSP રાઠોડે જણાવ્યું હતું કે, "મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર ઉભેલા ટેમ્પો પાછળ કાર અથડાતા આ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 4 વ્યક્તિઓના જીવ ગયા છે." પોલીસે ભારે જહેમત બાદ કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.


ખંભાતમાં શોકનું મોજું

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પોલીસે હળવો કરાવ્યો હતો. મુંબઈથી સારવાર કરાવીને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહેલા પરિવારના ચારેય સભ્યોના એકસાથે મોત થતાં ખંભાત પંથકમાં અને ખાસ કરીને વ્હોરા સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી ટેમ્પો ચાલક અને અન્ય પાસાઓ પર વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News