ટ્રેનમાં મુસાફરી દરમિયાન મોબાઇલ ચાર્જર ભૂલી જવું, અચાનક દવાની જરૂર પડવી કે ખાવા-પીવાની વસ્તુઓની અછત અનુભવવી જેવી સમસ્યાઓ હવે ઓછી થઈ શકે છે. મુસાફરોની આવી મુશ્કેલીઓ દૂર કરવા માટે સાઉથર્ન રેલવેના સાલેમ ડિવિઝને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટ સાથે ભાગીદારી કરી છે. આ પહેલ હેઠળ પસંદગીના સાત રેલવે સ્ટેશનો પર મુસાફરોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ઓર્ડર કરવાની સુવિધા મળશે.
ઘણી વખત ટ્રેનનું સ્ટોપેજ ઓછું હોવાથી મુસાફરોને સ્ટેશન પર ઉતરીને જરૂરી સામાન ખરીદવાનો સમય મળતો નથી. આવી સ્થિતિમાં આ સુવિધા ઉપયોગી બની શકે છે. મુસાફરો બ્લિંકિટ એપ દ્વારા પોતાની જરૂરિયાતની વસ્તુઓ પસંદ કરીને ઓર્ડર કરી શકશે અને સંબંધિત સ્ટેશન પર નક્કી કરાયેલા ડિલિવરી પોઇન્ટ પરથી સામાન મેળવી શકશે.
આ સુવિધા હેઠળ મુસાફરોને વિવિધ પ્રકારની આવશ્યક વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. તેમાં મોબાઇલ ચાર્જર અને અન્ય ઇલેક્ટ્રોનિક એસેસરીઝ, દવાઓ તથા મેડિકલ સંબંધિત વસ્તુઓ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને નાસ્તા સહિતની ખાવા-પીવાની વસ્તુઓનો સમાવેશ થાય છે.
જોકે, દરેક સ્ટેશન પર તમામ વસ્તુઓ ઉપલબ્ધ હશે તેની ખાતરી નથી. વસ્તુઓની ઉપલબ્ધતા સંબંધિત સ્ટેશન અને બ્લિંકિટની સર્વિસ પર આધારિત રહેશે.
મુસાફરોએ બ્લિંકિટ એપ ખોલીને ઉપલબ્ધ વસ્તુઓમાંથી પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ પસંદ કરી ઓર્ડર આપવાનો રહેશે. ત્યારબાદ સંબંધિત રેલવે સ્ટેશન પર નિર્ધારિત ડિલિવરી પોઇન્ટ પરથી સામાન મેળવી શકાશે.
આ ડિલિવરી પોઇન્ટ પ્લેટફોર્મ અથવા સ્ટેશનના પ્રવેશદ્વાર નજીક હોઈ શકે છે. જોકે, ચોક્કસ વ્યવસ્થા સંબંધિત સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધા મુજબ રહેશે. આ પહેલનો હેતુ મુસાફરોને સામાન લેવા માટે સ્ટેશનથી દૂર જવું ન પડે અને ટ્રેન ચૂકી જવાનું જોખમ પણ ઘટે તેવો છે.
આ સુવિધા હાલમાં પસંદગીના સ્ટેશનો પૂરતી મર્યાદિત છે. તેથી મુસાફરી પહેલાં બ્લિંકિટ એપમાં પોતાના સ્ટેશન પર સેવા ઉપલબ્ધ છે કે નહીં અને જરૂરી વસ્તુઓનો સ્ટોક છે કે નહીં તે તપાસવું જરૂરી છે.
આ પહેલથી ટ્રેનના મુસાફરોને મુસાફરી દરમિયાન અચાનક ઊભી થતી નાની-મોટી જરૂરિયાતો પૂરી કરવામાં સરળતા મળી શકે છે. જોકે, હાલ આ સુવિધા દેશભરના તમામ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ નથી.