BREAKING NEWS

દિવાળીના તહેવારોમાં જામનગરની ૧૦૮ ઇમરજન્સી સેવા સજ્જ : ૪૫ એમ્બ્યુલન્સ ૨૪ કલાક દોડશે

  • November 06, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારોમાં જામનગરની ૧૦૮ ઇમરજન્સી સેવા સજ્જ : ૪૫ એમ્બ્યુલન્સ ૨૪ કલાક દોડશે

તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી પાયલોટ અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર તૈનાત કરાયા

દિવાળીના તહેવારો દરમિયાન લોકોની અવરજવર અને વાહનવ્યવહારમાં વધારો થવાની સાથે માર્ગ અકસ્માતો તથા તબીબી ઇમરજન્સીના બનાવોમાં પણ વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોના દિવસોમાં ઇમરજન્સીના કેસમાં સામાન્ય દિવસોની સરખામણીએ આશરે ૧૫ ટકાનો વધારો નોંધાતો હોવાથી સમગ્ર જિલ્લાના ૧૦૮ સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.

હાલમાં જામનગર જિલ્લામાં કુલ ૪૫ એમ્બ્યુલન્સ ઓન રોડ રાખવામાં આવી છે. આ તમામ એમ્બ્યુલન્સમાં પાયલોટ અને પેરામેડિકલ સ્ટાફ સાથે ૨૪ કલાક એટલે કે રાઉન્ડ ધ ક્લોક સેવા કાર્યરત રહેશે. સામાન્ય દિવસોમાં ૧૦૮ ઇમરજન્સી કંટ્રોલરૂમને મળતા સરેરાશ કોલની સરખામણીએ દિવાળીની રજાઓ દરમિયાન પ્રવાસીઓ તેમજ સ્થાનિક વાહનોની અવરજવર વધતાં ઇમરજન્સી કોલમાં આશરે ૧૫ ટકાનો વધારો થવાની શક્યતા છે.

આવી પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે તમામ એમ્બ્યુલન્સમાં જરૂરી દવાઓ, ઓક્સિજન સિલિન્ડર તેમજ પ્રાથમિક સારવારની કિટનો વધારાનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.ઉપરાંત જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે તમામ એમ્બ્યુલન્સનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે, જેથી અકસ્માત કે અન્ય કોઈ તબીબી ઇમરજન્સીનો કોલ મળતાં નજીકની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકે.

ખાસ કરીને અકસ્માતના કિસ્સામાં દર્દીને ગોલ્ડન અવર દરમિયાન ત્વરિત પ્રાથમિક સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. આમ, દિવાળીના તહેવારો દરમિયાન જામનગર જિલ્લામાં કોઈપણ ઇમરજન્સીના સમયે નાગરિકોને ઝડપી અને અસરકારક સારવાર મળી રહે તે માટે ૧૦૮ ઇમરજન્સી સેવા સંપૂર્ણપણે સજ્જ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application