અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને થયેલા પરાજય પછી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે એવો દાવો કર્યો છે. ટ્રમ્પ્ના જણાવ્યા મુજબ બંને દેશો વચ્ચે સમાધાનની શક્યતા વધી રહી છે અને આ સમજૂતીમાં યુક્રેન ઉપરાંત યુરોપ્ના અન્ય દેશો પણ સામેલ થઈ શકે છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદનો ઉકેલ શોધવામાં અમેરિકા સફળતાની નજીક પહોંચી રહ્યું છે. આ એક મોટી સમજૂતી હશે અને તેમાં સમગ્ર યુરોપ્ની ભૂમિકા પણ હોઈ શકે છે.જોકે, ટ્રમ્પે સંભવિત સમજૂતીની શરતો જાહેર કરી નથી. રશિયા અને યુક્રેન વચ્ચે કયા મુદ્દાઓ ઉપર સહમતી થઈ છે, યુદ્ધવિરામ ક્યારે અમલમાં આવશે અને બંને દેશોના નેતાઓ વચ્ચે સીધી વાતચીત થઈ રહી છે કે નહીં તે અંગે પણ તેમણે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે રશિયા-યુક્રેન યુદ્ધમાં દર મહિને લગભગ 25 હજાર લોકોનાં મોત થઈ રહ્યાં છે. આ સંઘર્ષનો અંત લાવવો જરૂરી હોવાનું જણાવી તેમણે ફરી એક વખત યુદ્ધ સમાપ્ત કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમેરિકન સંરક્ષણમંત્રી પીટ હેગસેથની કામગીરીની પ્રશંસા કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન સૈન્યમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે. ટ્રમ્પે વેનેઝુએલામાં અમેરિકન લશ્કરી કાર્યવાહીને પણ સફળ ગણાવી હતી. તેમના દાવા મુજબ વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી માત્ર 48 મિનિટમાં પૂર્ણ થઈ હતી અને તેમાં કોઈનું મૃત્યુ થયું નહોતું.
ઈરાન અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. તેમણે હોર્મુઝની સામુદ્રધુની ઉપર અમેરિકાનું નિયંત્રણ હોવાનો દાવો કર્યો હતો. યુદ્ધ શરૂ થયું તે પહેલાંની સરખામણીએ હવે આ માર્ગેથી વધુ તેલ પસાર થઈ રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.