BREAKING NEWS

ખોડલધામ દિવાળીના પર્વે રોશનીથી ઝળહળી ઉઠ્યું, બે વિશાળ રંગોળીઓ પણ બનાવવામાં આવશે

  • November 06, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળી અને નૂતન વર્ષના પર્વની ઉજવણીને લઈને કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે ભવ્ય રોશની અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે. મા ખોડલના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓના સ્વાગત માટે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું છે. દિવ્ય રોશનીના કારણે મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું છે અને રાત્રિના સમયે મંદિરનો નજારો અલૌકિક બની રહ્યો છે.


દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને મંદિરના નિજ મંદિર, વિશાળ શિખર અને મુખ્ય પ્રવેશદ્વારને મનમોહક એલ.ઈ.ડી. તથા ગોલ્ડન લાઈટોથી શણગારવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિર પરિસરના મુખ્ય માર્ગો, વોકવે અને બગીચાઓ સહિતના વિસ્તારોમાં આકર્ષક મલ્ટી-કલર લાઈટિંગ કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં બે વિશાળ અને આકર્ષક રંગોળીઓ પણ બનાવવામાં આવશે, જે દર્શનાર્થીઓ માટે કલા અને આસ્થાનો અનોખો સંગમ બનશે. તહેવારોના દિવસો દરમિયાન મા ખોડલને દરરોજ વિશિષ્ટ અને અવનવા શણગાર પણ કરવામાં આવશે.


દિવાળી અને નૂતન વર્ષના તહેવારો તેમજ વેકેશન દરમિયાન દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા ખોડલનાં દર્શન કરવા કાગવડ ઉમટી પડે છે. દર્શનાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સુચારુ દર્શન વ્યવસ્થા, સુરક્ષા, પીવાના પાણી અને પાર્કિંગની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે. દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે દરરોજ ૩૦૦ થી વધુ સ્વયંસેવકો સેવા માટે ખડેપગે રહેશે. આ ઉપરાંત વાહનોના વ્યવસ્થિત પાર્કિંગ માટે ચાર વિશાળ પાર્કિંગ સ્થળોની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.


ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે સર્વે શ્રદ્ધાળુઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ મા ખોડલનાં દર્શનનો લાભ લઈ શકે અને સુખદ અનુભવ સાથે પરત ફરે તે માટે ટ્રસ્ટ દ્વારા તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.


ખોડલધામ મંદિર પરિસરના પ્રવેશદ્વાર સવારે ૫:૩૦ કલાકે ખોલવામાં આવે છે અને સવારે ૬ વાગ્યાથી માતાજીનાં દર્શન શરૂ થાય છે. સવારે 7 કલાકે માતાજીની આરતી કરવામાં આવે છે. ત્યારબાદ સાંજે ૭ કલાકે પણ આરતી યોજાય છે. દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરી શકશે. રાત્રે ૯ કલાકે માતાજીનાં દર્શન બંધ કરવામાં આવશે, જ્યારે મંદિર કેમ્પસ રાત્રે ૯:૩૦ કલાકે બંધ થશે.


આમ દિવાળીનાપર્વે ખોડલધામ મંદિરનો દિવ્ય રોશનીથી સજ્જ નયનરમ્ય નજારો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આસ્થા, ભક્તિ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમાન આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો મા ખોડલનાં દર્શનનો લાભ લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application