કચ્છના હમીરપર ગામે જમીનના વિવાદમાં થયેલા પાંચ વ્યક્તિઓની થયેલી સામૂહિક હત્યાના ચકચારી કેસમાં પોલીસ તપાસ સામે પ્રશ્ન ઉઠાવી બે આરોપીઓના નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવા માટે કચ્છની સેશન્સ અદાલતે મંજૂરી આપી છે.
બનાવ સમયે ઘટનાસ્થળથી આશરે ૨૫ કિલોમીટર દૂર હોવા છતાં બંને આરોપીઓને ગુનામાં સંડોવી દેવામાં આવ્યા હોવાની રજૂઆત સાથે બચાવપક્ષે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ કોલ ડિટેઇલની પોલીસે તપાસ નહીં કરાઈ હોવાના ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
કેસની હકીકત મુજબ, કચ્છના હમીરપર ગામની સીમમાં આવેલી ખેતીની જમીન બાબતે જૂના મનદુઃખને કારણે આશરે ત્રણેક વર્ષ પહેલાં ફરિયાદી રમેશ ભગવાનભાઈ રાજપૂત તથા તેમના પરિવારજનો સ્કોર્પિયો કારમાં વાડીએ જતા હતા ત્યારે બપોરના સમયે આરોપીઓએ ફિલ્મી ઢબે ટ્રેક્ટર કાર સાથે અથડાવી રસ્તો રોકી દીધો હતો. ત્યારબાદ પાછળથી પણ રસ્તો બંધ કરી ફરિયાદી પક્ષ ઉપર લાકડી, ધારિયા અને અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાંચ વ્યક્તિઓની હત્યા થઈ હતી અને અન્ય લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ બનાવમાં કુલ ૨૨ વ્યક્તિઓ સામે હત્યા, લૂંટ, એટ્રોસિટી અને આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
આ કેસમાં આરોપી ભગુભા હસુભા વાઘેલા અને સિદ્ધરાજસિંહ ભગુભા વાઘેલાની ધરપકડ બાદ બંનેએ બનાવ સમયે પોતે ઘટનાસ્થળે નહીં, પરંતુ ૨૫ કિ.મી. દૂર અયોધ્યાપુરી ગામમાં હોવાનું જણાવ્યું હતું. ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ હોવા છતાં પોલીસે તેની યોગ્ય તપાસ કરી ન હોવાનો બચાવપક્ષે આક્ષેપ કર્યો હતો.
બંને આરોપીઓ વતી એડવોકેટ તુષાર ગોકાણી મારફત કોર્ટમાં નાર્કો એનાલિસિસ ટેસ્ટ તથા મોબાઇલ ફોનના કોલ ડિટેઇલ મેળવવા અરજી કરાઈ હતી. બચાવપક્ષે દલીલ કરી હતી કે પોલીસ પાસે આરોપીઓના કોલ ડિટેઇલ ઉપલબ્ધ હોવા છતાં ચાર્જશીટ સાથે રજૂ કરાયા નથી. આરોપીઓને પોતાના બચાવમાં પુરાવા રજૂ કરવાની તકથી વંચિત રાખી શકાય નહીં.
સામા પક્ષે અરજીનો વિરોધ કરી અગાઉની અરજીઓ અને ન્યાયિક પ્રક્રિયાનો હવાલો આપ્યો હતો. જોકે, અદાલતે બંને પક્ષોની દલીલો અને તપાસના સંદર્ભે રજૂ થયેલી હકીકતોને ધ્યાનમાં રાખી આરોપીઓના નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવા તથા મોબાઇલ કોલ ડિટેઇલ મેળવવાની અરજી મંજૂર કરી હતી.
આ ચકચારી હત્યાકાંડમાં અદાલતના આ હુકમ બાદ હવે તપાસ અને ટ્રાયલમાં નવો કાનૂની વળાંક આવે તેવી શક્યતા છે. આ કામમાં આરોપીઓ તરફે રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, હરેશ કાંઠેચા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોશી, જયદેવસિંહ જાડેજા, હિરલ નિમાવત રોકાયા હતા.