રાજકોટ શહરેના કોઠારીયા રોડ પર રહેતા પરિવારને તેમના જ જમાઈએ રૂ.6.08 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ આજીડેમ પોલીસ મથકે નોંધાઈ છે. જમાઈએ પ્રથમ સાળી પાસેથી ઉછીના આપેલા નાણાં પરત અપાવવાના બહાને મળેલા રૂ.2.80 લાખ બેંક ખાતામાં જમા કરાવવાના નામે પડાવી લીધા હતા. ત્યારબાદ કેસમાં એક્ટિવા જમા કરાવવાનું હોવાનું કહી સાળીનું વાહન પણ લઈ લીધું હતું. આટલેથી ન અટકતાં સસરાનું એટીએમ કાર્ડ ચોરી ખાતામાંથી રૂ.2.81 લાખ ઉપાડી લીધા હતા. નાણાંની ઉઘરાણી કરતાં સાળીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
કોઠારીયા રોડ પર રામ રણુજા સોસાયટી શેરી નં.3માં રહેતી નિધીબેન મનસુખભાઈ ગોહેલ(ઉ.વ.૨૩) એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના બનેવી નિખિલ રાજેશભાઈ ચંદારાણાનું નામ આપ્યું છે. ફરિયાદ મુજબ નિધીબેન લિટલ કિડ્સ સ્કૂલમાં નોકરી કરે છે. તેમની મોટી બહેન દીક્ષિતાબેને રેલનગરમાં રહેતા નિખિલ સાથે પ્રેમલગ્ન કર્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2024માં નિધીબેને તેમની સાથે નોકરી કરતા હિમેશ જોષીને રૂ.2.80 લાખ હાથ ઉછીના આપ્યા હતા. વારંવાર નાણાંની માંગણી કરવા છતાં હિમેશ પરત આપતો ન હોવાથી તેમણે બનેવી નિખિલને વાત કરી હતી. માર્ચ-2026માં નિખિલ અને બહેન સાથે આજીડેમ પોલીસ મથકે હિમેશ વિરુદ્ધ અરજી પણ કરી હતી. ત્યારબાદ સમાધાન થતાં તા.6 માર્ચે હિમેશના પિતા દિલીપ જોષી સાથે નોટરી કરાર કરવા હુડકો ચોકડી પાસે એડવોકેટની ઓફિસે ગયા હતા. ત્યાં દિલીપભાઈએ રૂ.1.95 લાખ રોકડા આપ્યા હતા. આ રકમ બેંક ખાતામાં જમા કરાવી દેવાની ખાતરી આપી નિખિલ લઈ ગયો હતો.
ત્યારબાદ આશરે 20 દિવસ પછી સમાધાન અંગે નિવેદન લખાવવા જતાં હિમેશના પિતાએ વધુ રૂ.85 હજાર આપ્યા હતા. આ રકમ પણ નિખિલે અગાઉના રૂ.1.95 લાખ સાથે બેંકમાં જમા કરાવવાનું કહી લઈ લીધી હતી. આમ, કુલ રૂ.2.80 લાખ તેણે પોતાની પાસે રાખી લીધા હતા.
દરમિયાન તા.4 એપ્રિલે નિખિલ સ્કૂલે પહોંચ્યો હતો અને નિધીબેનને કહ્યું હતું કે, હિમેશે પ્ર.નગર પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ પૈસા પડાવી લેવા અને હનીટ્રેપની ફરિયાદ કરી છે, જેથી એક્ટિવા પોલીસ મથકે જમા કરાવવું પડશે. આ બહાને તે રૂ.47 હજારની કિંમતનું એક્ટિવા અને તેની આરસી બુક લઈ ગયો હતો. ત્યારબાદ વારંવાર માંગણી કરવા છતાં નાણાં કે વાહન પરત આપ્યું નહોતું.
બીજી તરફ નિધીબેનના પિતા મનસુખભાઈએ તા.13 જુલાઈએ નાગરિક બેંકમાં પાસબુકની એન્ટ્રી પડાવતાં ખાતામાંથી રૂ.2.81 લાખ ઉપડી ગયાનું અને માત્ર રૂ.100 બાકી હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતાં એટીએમ મારફતે નાણાં ઉપાડાયાં હોવાનું સામે આવ્યું હતું. ઘરમાં તપાસ કરતાં એટીએમ કાર્ડ પણ ગાયબ હતું. પૂછપરછ દરમિયાન નિખિલે કબૂલ્યું હતું કે, તે ઘરે આવ્યો ત્યારે કબાટમાંથી એટીએમ કાર્ડ લઈ ગયો હતો અને નાણાં ઉપાડ્યાં હતાં. તેણે રકમ પરત આપવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં બહાના બતાવવા લાગ્યો હતો.
અંતે નાણાંની ઉઘરાણી કરતાં નિખિલે નિધીબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ બનેવી સામે કુલ રૂ.6.08 લાખની છેતરપિંડી અંગે આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.