BREAKING NEWS

રાજકોટમાં 80થી 85 કરોડના સોના-ચાંદીના વેપારનો અંદાજ, ધનતેરસ પર સોની વેપારીઓ પર ધનવર્ષા

  • November 06, 2026 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોના-ચાંદીના ભાવ તેની સર્વોચ્ચ સપાટીથી ઘણા નીચે આવી ગયા હોવાથી આ વર્ષે ધનતેરસે ખરીદીમાં વધારો થવાની ધારણા છે. રાજકોટમાં આજે ધનતેરસના શુકનવંતા દિવસે સોના-ચાંદીનો રૂ. ૭૦થી ૭૫ કરોડનો વેપાર થવાનો અંદાજ વેપારીઓ મૂકી રહ્યા છે. ભાવમાં આવેલા મોટા ઘટાડાને કારણે ગ્રાહકોમાં ખરીદી માટે નવેસરથી ઉત્સાહ જોવા મળે તેવી શક્યતા છે. સોની બજારમાં ઘરેણાં ઉપરાંત સોના-ચાંદીના સિક્કા અને લગડીની ખરીદી પણ વધવાની આશા છે.


ધનતેરસની શુકનવંતી ખરીદી બાબતે શિલ્પા જવેલર્સના પ્રભુદાસ ભાઈ પારેખે જણાવ્યું હતું કે હમણા સોના-ચાંદીમાં થયેલા ભાવ ઘટાડાની અસર જોવા મળી છે અને બજારમાં તેજી દેખાઈ રહી છે. જોકે આજે લોકો નાની આઈટમની ખરીદી વધુ કરી રહ્યા છે છતાં વોલ્યુમ ઘણું મોટું છે.


શિલ્પા જવેલર્સના દર્શિતભાઈએ આજે ધનતેરસે સોના-ચાંદીમાં ચમક દેખાઈ હોવાનું કહીને ઉમેર્યું હતું કે આજે જ ભાવમાં થોડો ઘટાડો થયો છે તેની અસર પણ ઘરાકી પર જોવા મળી રહી છે. માલાબાર ગોલ્ડના વિજયભાઈએ ધનતેરસના વ્યાપારમાં ૨૦થિ ૨૫ ટકાનો ઉછાળો નોંધવાની આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે ઘરાકો ભાવ ઘટવાની રાહ જોઇને ખરીદી ટાળીરહ્યા હતા તે પણ હવે નીચા ભાવે ખરીદી કરી રહ્યા છે એટલે આ તહેવારની સીઝનમાં રેકોર્ડબ્રેક ખરીદી થાય તેવી આશા છે.


છેલ્લા કેટલાક મહિનામાં સોના અને ખાસ કરીને ચાંદીના ભાવમાં અસાધારણ વધઘટ જોવા મળી છે. ચાંદીનો ભાવ એક તબક્કે કિલોદીઠ રૂ. ૪ લાખને પાર કરી ગયો હતો, પરંતુ ત્યારબાદ તેમાં મોટો કડાકો બોલાયો છે. સોનાના ભાવ પણ તેની સર્વોચ્ચ સપાટીથી નોંધપાત્ર નીચે આવ્યા છે. ભાવ ઊંચા હતા ત્યારે ખરીદી ટાળનારા ગ્રાહકો હવે ધનતેરસના શુભ મુહૂર્તનો લાભ લઈને ખરીદી કરી રહ્યા છે.


રાજકોટ સૌરાષ્ટ્રમાં સોના-ચાંદીના વેપારનું મોટું કેન્દ્ર હોવાથી શહેર ઉપરાંત આસપાસનાં ગામો અને શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી માટે આવે છે. ધનતેરસે સોના-ચાંદીની ખરીદી કરવાનું વિશેષ મહત્ત્વ હોવાથી આ દિવસે શુકન પૂરતી ખરીદી કરનારા ગ્રાહકોની સંખ્યા પણ મોટી રહે છે. જોકે આ વર્ષે ભાવમાં આવેલા ઘટાડાને કારણે માત્ર શુકન પૂરતી ખરીદીને બદલે ઘરેણાં અને રોકાણ માટેની ખરીદી પણ વધવાની ધારણા છે.


સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં અગાઉના વર્ષોની સરખામણીએ ભાવ હજુ ઘણા ઊંચા છે. આથી ગ્રાહકોની ખરીદશક્તિ પર તેની અસર યથાવત્ રહેશે. તેમ છતાં સર્વોચ્ચ સપાટીએ ભાવ પહોંચ્યા ત્યારે ખરીદી કરવાનું ટાળનારા ગ્રાહકો માટે હાલના ભાવ પ્રમાણમાં આકર્ષક બન્યા છે. ખાસ કરીને લગ્નપ્રસંગ માટે ઘરેણાં ખરીદવાની રાહ જોતા પરિવારો ધનતેરસે ખરીદી કરે તેવી શક્યતા છે.


સોની બજારમાં આ વર્ષે સોનાનાં ઘરેણાં, સિક્કા અને લગડી ઉપરાંત ચાંદીના સિક્કા, મૂર્તિઓ તથા અન્ય વસ્તુઓની માંગ રહેવાની ધારણા છે. ચાંદીના ભાવમાં સોનાની સરખામણીએ વધુ મોટો ઘટાડો થયો હોવાથી તેમાં ખરીદીનો ઉત્સાહ વધારે જોવા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application