જંગલેશ્વર ડિમોલિશન વેળાએ રૂ.૨.૫૦ની પડતર કિંમતની પાણીની બોટલ કે જે બજારમાં રૂ.પાંચમાં વેંચાય છે તે બોટલ મહાપાલિકાને રૂ.૮ના ભાવે વેચનાર ઉમિયાજી મંડપને ફરી મહાપાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો છે જો કે આ વખતે તેણે એસ્ટીમેટ કરતા ૪૫ ટકા નીચા ભાવ ભર્યા હોય કામ મંજૂર કર્યાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ કાર્યક્રમો અને કામગીરી માટે મંડપ સર્વિસના ખર્ચનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જંગલેશ્વર ડિમોલિશનની કામગીરી દરમિયાન મંડપ સહિતના ખર્ચને લઈને સર્જાયેલા વિવાદ બાદ હવે નવા રેઈટ કોન્ટ્રાક્ટમાં નોંધપાત્ર નીચા ભાવ આવ્યા છે.
મહાનગરપાલિકાના વિવિધ કામો માટે મંડપ સર્વિસનો દ્વિવાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમિયાજી મંડપ ડેકોરેશને નિયત એસઓઆર કરતાં ૪૫ ટકા નીચા ભાવે કામગીરી કરવાની તૈયારી દર્શાવી છે.
સ્ટેન્ડિંગ કમિટીએ વાર્ષિક રૂ.૪.૫૦ કરોડની ખર્ચ મર્યાદામાં કોન્ટ્રાક્ટ મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉના રેઈટ કોન્ટ્રાક્ટ અને ખર્ચને લઈને ઊઠેલા સવાલો વચ્ચે નવા ટેન્ડરમાં ૪૫ ટકા નીચા ભાવ આવતાં મહાપાલિકાના મંડપ ખર્ચનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
અગાઉ ઊંચા ભાવે થતી કામગીરી હવે ૪૫ ટકા નીચા ભાવે કેવી રીતે શક્ય બની? તે સવાલ પણ મહાનગરપાલિકાના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.