સોમનાથ મંદિર આસપાસ નોન-વેજના વેચાણ પર પ્રતિબંધ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈકોર્ટની ડબલ બેન્ચને બે મહિનામાં અપીલ નિકાલ કરવા નિર્દેશ આપ્યા છે.
સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં નોન-વેજ ખાધસામગ્રીના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના જાહેરનામાને લઈને કાનૂની લડાઈ ચાલી રહી છે. સોમનાથ આસપાસના છ નોન-વેજ રેસ્ટોરન્ટના માલિકોએ રાજ્ય સરકારના આ જાહેરનામાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યું હતું, જેમાં શહેરના ચોક્કસ વિસ્તારોમાં નોન-વેજ વેચાણ પર રોક લગાવવામાં આવી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન અગાઉ હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા સોમનાથ મંદિર આસપાસ નોન-વેજ નહીં વેચવાના ૧૦ ઓગસ્ટના જાહેરનામાને રદ્દ કરી દેવામાં આવ્યો હતો. જોકે, સિંગલ જજના આ હુકમ સામે રાજ્ય સરકારે તત્કાલિક એક્ટિંગ ચીફ જસ્ટિસની ડબલ બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. ડબલ બેન્ચે ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા ૧૦ ઓગસ્ટના જાહેરનામાને લઈને સ્ટે મંજૂર કર્યો હતો.
ડબલ બેન્ચના આ સ્ટે સામે અસંતુષ્ટ અરજદારો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. અરજદારોના વકીલ અસરાર મન્સૂરીના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે આ સમગ્ર અપીલ કેસને આગામી બે મહિનાની અંદર ઝડપથી પતાવવા માટે હાઇકોર્ટને નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે સ્ટે અંગે અત્યારે કોઈ નવો હુકમ ન કર્યો હોવાને કારણે હાઇકોર્ટનો અગાઉનો સ્ટે હાલ પૂરતો યથાવત જ રહેશે.
આ સમગ્ર પ્રકરણમાં એક નવો વિવાદ પણ સામે આવ્યો છે. અરજદારોના જણાવ્યા મુજબ, ગત સાતમી ઓક્ટોબરે જ્યારે હાઈકોર્ટમાં આ કેસની પહેલી સુનાવણી ચાલી રહી હતી, તે જ દિવસે સ્થાનિક મામલતદાર દ્વારા આ છ રેસ્ટોરન્ટ માલિકોને બોલાવીને પોલીસ ચોકીમાં એક કબૂલાતનામા પર ફરજિયાત સહી કરાવી લેવામાં આવી હતી. આ કબૂલાતનામામાં એવું લખાવવામાં આવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં ક્યારેય નોન-વેજ ખોરાક નહીં વેચે અને માત્ર શુદ્ધ શાકાહારી ચીજવસ્તુઓનો જ વ્યાપાર કરશે.
આ ગંભીર બાબતની નોંધ લઈને હાઇકોર્ટે પણ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રને સવાલ કર્યો હતો કે, જ્યારે હાઈકોર્ટમાં કાનૂની કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે તે જ દિવસે મામલતદારે આ રેસ્ટોરન્ટ માલિકો પાસે આવી રીતે સહીઓ કેમ લીધી? આ મામલે આગામી સમયમાં હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને તેના પર ન્યાયિક નિર્ણય લેવાશે.