આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં વિદેશી કંપ્નીઓ ઉપરની નિર્ભરતા ઘટાડવા ભારતે ત્રણ સ્વદેશી એઆઈ મોડેલ રજૂ કર્યાં છે. એકા-1, ધીર-2બી અને ધીર-5બી નામનાં આ મોડેલ ભારતીય ભાષાઓ, સ્થાનિક વ્યવસાયો અને દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે. આ ત્રણમાંથી બે મોડેલ ઈન્ટરનેટ વગર પણ કામ કરી શકે છે.
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇન્ડિયાએઆઈ મિશનના સહયોગથી નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં આ મોડેલ રજૂ કર્યાં હતાં. મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણન સહિતના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી કચેરીઓ, સંશોધન સંસ્થાઓ, શાળાઓ અને અન્ય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થઈ શકશે.
ત્રણમાંથી સૌથી મોટું મોડેલ એકા-1 છે. બેંગલુરુની સોકેટ લેબ્સ નામની સ્ટાર્ટઅપ કંપ્નીએ તેને વિકસાવ્યું છે. આ મોડેલમાં 26.3 અબજ પેરામીટર છે અને તેને 7.5 લાખ કરોડ ટેક્સ્ટ ટોકનના ડેટાથી તાલીમ આપવામાં આવી છે.
એકા-1 ગણિતના અઘરા પ્રશ્નો, સોફ્ટવેર પ્રોગ્રામિંગ અને તર્ક આધારિત સમસ્યાઓ ઉકેલવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તે એઆઈ એજન્ટ તરીકે પણ કામ કરી શકે છે. એટલે કે માત્ર પ્રશ્નોના જવાબ આપવાને બદલે તેને સોંપવામાં આવેલાં વિવિધ કામ પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ મોડેલ અંગ્રેજી ઉપરાંત ભારતની તમામ અનુસૂચિત ભાષાઓ સમજી શકે તે રીતે વિકસાવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થઈ શકે છે.
બીજાં બે મોડેલ ધીર-2બી અને ધીર-5બી ઝેન્ટેઆઈક્યુ એઆઈટેક ઇનોવેશને વિકસાવ્યાં છે. આ બંનેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને ચલાવવા માટે સતત ઈન્ટરનેટ જોડાણ કે મોટા ક્લાઉડ સર્વરની જરૂર પડતી નથી. યોગ્ય ક્ષમતા ધરાવતા મોબાઇલ અથવા લેપટોપમાં મોડેલ ડાઉનલોડ કરીને સ્થાનિક સ્તરે ચલાવી શકાય છે.
આ વ્યવસ્થાનો ફાયદો ઈન્ટરનેટની સુવિધા મર્યિદિત હોય એવા વિસ્તારોમાં થઈ શકે છે. ઉપરાંત, કેટલીક માહિતી ઉપકરણમાં જ પ્રક્રિયા થતી હોવાથી તેને બહારના સર્વર સુધી મોકલવાની જરૂર ઓછી થઈ શકે છે.
જોકે, સ્વદેશી મોડેલ રજૂ થવાથી તે ચેટજીપીટી અથવા અન્ય આંતરરાષ્ટ્રીય એઆઈ મોડેલ જેટલાં જ સક્ષમ બની ગયાં છે એવું માનવું વહેલું ગણાશે. તેમની ચોકસાઈ, ઝડપ, ભારતીય ભાષાઓમાં જવાબોની ગુણવત્તા અને વાસ્તવિક ઉપયોગમાં કામગીરીની સરખામણી હજુ મહત્ત્વની રહેશે.