ગંગોત્રી ધામના દર્શનની આશા સાથે નીકળેલા સાત લોકોની યાત્રા ગંગનાની નજીક એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ. આજે સવારે ઉત્તરકાશીમાં ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંગનાની નજીક એક દુ:ખદ અકસ્માત થયો. ગંગનાની બજારથી ડબરાની તરફ આગળ કારે કાબૂ ગુમાવતા ભાગીરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયાના અહેવાલ છે. વાહનમાં ગુજરાતના છ મુસાફરો અને એક ડ્રાઇવર હતો.
મૃતકોમાં સુરત નિવાસી અશોકભાઈ પટેલ (ઉં.વ. 49) અને રુતિકા પટેલ (ઉં.વ.19), ઘનશ્યામભાઈ સરવાલિયા (ઉં.વ.32) અને કાર ડ્રાઈવર સુરેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે. ઘાયલની ઓળખ વેદાંત અશોકભાઈ પટેલ તરીકે થઈ છે.
ગુમ મહિલાઓમાં સુધાબેન પટેલ (ઉં.વ.45) અને કિરણબેન પટેલ (ઉં.વ.34)નો સમાવેશ થાય છે. કારમાં ડ્રાઈવર સહિત કુલ 7 લોકો સવાર હતા.
અહેવાલો અનુસાર, કાર આજે સવારે હિના નજીકથી ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી. મુસાફરો ગંગોત્રી ધામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, ગંગાનાની બજારથી ડબરાની તરફ આગળ વધી રહી હતી, ત્યારે કારે અચાનક નિયંત્રણ ગુમાવી દીધું હતું. થોડીવારમાં જ તે રસ્તા પરથી નીચે ભાગીરથી નદીમાં ખાબકી હતી.
અકસ્માત બાદ, ઘટનાસ્થળે અને નદી કિનારે એક ભયાનક દ્રશ્ય સર્જાયું. અગાઉ, બચાવ કામગીરી દરમિયાન, નદી કિનારેથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. વાહનમાં કુલ સાત લોકો સવાર હતા. ગુમ થયેલા અન્ય બે લોકોની શોધ ચાલુ છે.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, SDRF અને 108 ઇમરજન્સી સેવાઓની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. અકસ્માત બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ અને SDRF ટીમો નદી કિનારા અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી રહી છે.
બચાવ કામગીરી દરમિયાન મળેલા કોઈપણ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અને તબીબી ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે. અકસ્માતના કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે.