ગુજરાતમાં 24 કલાકમાં 152 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 7.68 ઇંચ, સિહોરમાં 5.04 ઇંચ અને 6 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
મહુવામાં સાંબેલાધાર વરસાદ પડતા બજારોમાં નદીની જેમ પાણી ફરી વળ્યા હતા. આથી વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. કારતક મહિનામાં અષાઢ મહિનામાં વરસાદ પડે તેમ અનરાધાર વરસાદ પડ્યો છે.
બોટાદ, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. અનેક વિસ્તારોમાં ખેતપાકોમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં મોડી રાતથી ધીમીધારે વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી, જુવાર, બાજરી જેવા પાકોમાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ગઢડા શહેર સાથે અડતાળા, લાખણકા, ગઢાળી, ચિરોડા, સાજણાવદર, વનાળી, બોડકી, રણીયાળા, ગુંદાળા, પડવદર, ગોરડકા અને ટાટમ જેવા ગામોમાં રાતથી સતત ઝરમર વરસાદ ચાલુ છે. બરવાળા, રાણપુર અને બોટાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.