માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે. મહેસાણાના કડીમાં આવેલા કરણનગર રોડ પર આવેલી શુકન બંગ્લોઝ સોસાયટીમાં રમતા રમતા 7 વર્ષની બાળકી કબાટમાં પૂરાઈ ગઈ હતી. જોકે અંદર શ્વાસ રૂંધાવાથી તેનું કરૂણ મોત નપીજ્યું હતું.
મળતી માહિતી મુજબ, અનુસાર કડીના શુકન બંગ્લોઝમાં રહેતા એક મહારાષ્ટ્રીયન પરિવારની 7 વર્ષીય દીકરી ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન બાળકીની માતા ઘરના ધાબા પર સફાઈ કરવા માટે ગયા હતા. માતાની ગેરહાજરીમાં બાળકી રમતા-રમતા અચાનક ઘરના કબાટમાં સંતાઈ ગઈ અને કમનસીબે કબાટ બંધ થઈ ગયું. કબાટમાં પુરાઈ જવાને કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. લાંબા સમય સુધી કબાટમાં બંધ રહેવાથી ગૂંગળામણના કારણે બાળકીનો શ્વાસ રૂંધાઈ ગયો હતો.
જ્યારે બાળકીની માતા ધાબું સાફ કરીને નીચે આવી, ત્યારે તેમને પોતાની દીકરી ક્યાંય દેખાઈ ન હતી. તેમણે ગભરાઈને તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી. ઘરના ખૂણે-ખૂણામાં તપાસ કર્યા બાદ જ્યારે તેમણે કબાટ ખોલ્યું, તો દીકરી તેમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી.
પરિવારજનો બાળકીને તાત્કાલિકના ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકીનું મોત થઈ ચૂક્યું હતું. ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. પોતાની વ્હાલસોયી દીકરીનું અચાનક અને અણધાર્યું મોત નીપજતા મહારાષ્ટ્રીયન પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું અને તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જી દીધો છે.