BREAKING NEWS

રાજકોટમાં ભાજપની લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો પદયાત્રા, કોંગ્રેસ હાય હાય...ના નારા સાથે નેતાઓ સહિત હજારો કાર્યકર્તા જોડાયા

  • October 27, 2026 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઆઇઆરમાં ખોટી રીતે મતદારોના નામો કમી કર્યા હોવાના આક્ષેપો કરી દેશના ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશકુમારને પદ ઉપરથી હટાવવાની માંગ સાથે વિપક્ષે ચૂંટણી પંચ સામે આંદોલન છેડ્યું છે, જેના વિરોધમાં ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે લોકતંત્ર બચાવો-ભીડ તંત્ર હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ રેલી (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, માર્કેટ યાર્ડો સહિત ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા તમામ લોકપ્રતિનિધિઓ, સંગઠનના હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ શહેરીજનો સહિત દસેક હજાર લોકો જોડાયા છે. 

ભાજપની આ પદયાત્રામાં નેતાઓ અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા.


ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તરુણ ચુગે શું કહ્યું?

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તરુણ ચુગે જણાવ્યું હતું કે, દેશના લોકતંત્ર, સંસ્થાઓ અને ન્યાયતંત્ર સામે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગંભીર પડકારો ઊભા કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 140 કરોડ નાગરિકો દેશના લોકતંત્રની સાથે મજબૂતાઈથી ઊભા છે. રાહુલ ગાંધી અને તેમના ષડયંત્રકારી મિત્રો વિદેશી ટૂલકિટના સહારે પ્રદર્શન કરીને દેશમાં અરાજકતા ફેલાવવાનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. ન્યાયતંત્ર પર દબાણ બનાવીને સુપ્રીમ કોર્ટની ઉપરવટ જઈને દેશની સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ દેશની જનતા ક્યારેય સહન નહીં કરે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના મનમાં ક્યાંક તેમની દાદી ઈન્દિરા ગાંધીની જેમ કટોકટી (ઇમરજન્સી) લાદવાની માનસિકતા કામ કરી રહી છે. દેશમાં અરાજકતા ફેલાવનારા આવા ષડયંત્ર સામે આજે દેશની જનતા રસ્તા પર ઉતરીને જડબાતોડ જવાબ આપી રહી છે. દેશ લોકતંત્રથી ચાલશે, અરાજકતાથી નહીં. દેશ ડેમોક્રેટિક (લોકશાહી) રક્ષક છે અને ભારતીય જનતા પાર્ટી તેમજ દેશની જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મજબૂતાઈથી ઊભી છે.]


ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું?

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ દેશની અંદર અરાજકતા ફેલાવવાનું અને જનતાને ભડકાવવાનું કામ કરી રહ્યા છે.લોકતંત્ર અને ચૂંટણી પર સવાલો: લોકતંત્ર, ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસની હાર અને જનતાનો વિશ્વાસ: દેશની જનતા ક્યારેય કોંગ્રેસ સાથે રહી નથી. 56 કરતા પણ વધારે વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ હારી ચૂકી છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસ ચૂંટણી હારી ચૂકી છે.  યુવાનોને ભડકાવવાનો આરોપ: હાર પામેલી કોંગ્રેસ પાસે હવે શક્તિ નથી અને તે વારંવાર દેશના યુવાનોને ભડકાવવાનું કામ કરી રહી છે.  વડાપ્રધાન મોદીનું નેતૃત્વ: દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત' બનાવવાની દિશામાં દેશને આગળ લઈ જઈ રહ્યા છે. દેશના યુવાન, ખેડૂત, માતાઓ અને બહેનોને સન્માન આપવાનું કામ વડાપ્રધાન કરી રહ્યા છે.  વિદેશી રાજનીતિનો હાથ: હાર પામેલી કોંગ્રેસ વિદેશી રાજનીતિનો હાથ બનીને દેશને ભડકાવવાનું અને અર્થતંત્રને ખોરવવાનું કામ કરી રહી છે, જેને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે.

બહુમાળી ભવન ચોક ખાતેથી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત સંગઠન પ્રભારી તરૂણ ચૂગ, સહ પ્રભારી અરૂણ બિનાડી, પ્રદેશ મહામંત્રી અનિરુધ્ધ દવે, પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ ડો.માધવભાઇ દવે, પ્રદેશ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ વિગેરેની આગેવાનીમાં સમગ્ર સૌરાષ્ટ્રભરની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો, માર્કેટ યાર્ડો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ શહેર અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો વિશાળ સંખ્યામાં પદયાત્રામાં જોડાયા હતા અને કુલ ૧૦,૦૦૦થી વધુ લોકો જોડાયા છે.

બહુમાળી ભવન ચોક ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો એકત્રિત થયા હતા ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન પછી પદયાત્રાનો પ્રારંભ થયો હતો જે બહુમાળી ભવન ચોકથી યાજ્ઞિક રોડ ઉપરથી માલવિયા ચોક થઈ ત્રિકોણબાગ ખાતે પહોંચી રહી છે. જ્યાં તેનું સમાપન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અંદાજે ૧૦ હજારથી વધુ જેટલા કાર્યકરો અને લોકો જોડાયા છે.

ગુજરાત રાજ્યના તમામ મોટા શહેરોમાં લોકતંત્ર બચાવો અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. પદયાત્રા દ્વારા વિપક્ષના રાજકીય એજન્ડાનો જવાબ આપવા અને ભાજપના અભિગમને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

ઉપરોક્ત પદયાત્રાને સફળ બનાવવા માટે પ્રદેશ મહામંત્રી અનિરુધ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ ડો.માધવભાઇ દવે તેમજ શહેર ભાજપ મહામંત્રીઓ વલ્લભભાઇ દુધાત્રા, લલિતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા સહિત શહેર સંગઠનની સમગ્ર ટીમ તેમજ કાર્યાલય મંત્રી હિતેષભાઇ ઢોલરીયા અને સહ કાર્યાલય મંત્રી શૈલેષભાઇ દવેએ જહેમત ઉઠાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News