BREAKING NEWS

ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોને સીધો આર્થિક ફાયદો: સહકારી બેંકોના ધિરાણ પર 2% વ્યાજ રાહત આપવાની જાહેરાત

  • October 27, 2026 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના ખેડૂતોને ગ્રામીણ કક્ષાએથી જ સસ્તા અને સરળ વ્યાજદરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યના સહકારી કૃષિ ધિરાણ માળખા દ્વારા ખેડૂતોને પોતાના સ્વ-ભંડોળમાંથી કરવામાં આવેલા ધિરાણ પર બે ટકા વ્યાજ સહાય પેટે રૂ. ૧૭૪.૦૭ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.


કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને 'ખેડૂતલક્ષી તથા સહકાર-તરફી' અભિગમ માટે પૂર્ણપણે કટિબદ્ધ છે. ગત તા. ૧/૦૪/૨૦૨૫ થી તા. ૩૦/૦૯/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યની સહકારી બેંકોએ પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપેલા ધિરાણ પર બે ટકા વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી છે.


તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ મોટાભાગની સહકારી બેંકો ખેડૂતોને ૧૦% થી ૧૩%ના ઊંચા વ્યાજદરે ધિરાણ આપતી હતી. ખેડૂતો પર વ્યાજનો બોજો ન પડે અને સહકારી ધિરાણ માળખું ટકાઉ બને તે હેતુથી રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૯-૧૦થી ૨% વ્યાજ રાહત યોજના અમલમાં મૂકી છે. આ યોજનાના પરિણામે આજે રાજ્યના ખેડૂતોને માત્ર ૭%ના રાહત દરે પાક ધિરાણ ઉપલબ્ધ થઈ રહ્યું છે.


સહકારી બેંકોનું ‘કોસ્ટ ઓફ ફંડ’ સામાન્ય રીતે અન્ય બેંકો કરતાં વધુ હોય છે. તેમ છતાં, ખેડૂતો પર વ્યાજનો વધારાનો બોજો ન પડે તે માટે રાજ્ય સરકાર વર્ષ ૨૦૦૯-૧૦થી સતત ૨% વ્યાજ રાહત યોજના ચલાવી રહી છે અને બેંકોના આ તફાવતને વ્યાજ સહાય રૂપે સરભર કરે છે.


રાજ્યમાં ૧ રાજ્ય સહકારી બેંક, ૧૮ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને ૧૦,૯૦૦થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)નું ત્રિ-સ્તરીય મજબૂત માળખું કાર્યરત છે. આ સહકારી માળખા દ્વારા રાજ્યના ૧૦ લાખથી વધુ ખેડૂતો ટૂંકી મુદતનું કૃષિ પાક ધિરાણ મેળવી રહ્યા છે. વિશેષરૂપે, રાજ્યના લગભગ ૩૩% નાના અને સીમાંત ખેડૂતો આ સહકારી ધિરાણ વ્યવસ્થા સાથે જોડાયેલા છે, જેમના માટે સરકારનો આ નિર્ણય અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


રાજ્યની અનેક ગ્રામ પંચાયતો સુધી આજે રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેંકો પહોંચી નથી. આવા સમયે ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો માટે ધિરાણ મેળવવાનું સહકારી માળખું જ એકમાત્ર અને મુખ્ય સ્ત્રોત છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આવા લાખો ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે અને સાથે સાથે રાજ્યનું સહકારી ધિરાણ માળખું પણ વધુ સુદ્રઢ બનશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News