સરદાર સરોવર પ્રોજેક્ટને લઈને ગુજરાત સહિત ચાર રાજ્યો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા નાણાકીય વિવાદના ઉકેલની દિશામાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર પોસ્ટ કરીને આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. નવી દિલ્હી ખાતે મળેલી નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA) ની ૧૫મી બેઠકમાં સરદાર સરોવર યોજના સાથે સંકળાયેલા વર્ષોથી પડતર નાણાકીય વિવાદના સમાધાનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના ડૉ. મોહન યાદવ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ અને રાજસ્થાનના ભજનલાલ શર્મા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર સરોવર નર્મદા યોજનાને લઈને ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે દાયકાઓથી બાંધકામ ખર્ચની વહેંચણી, વ્યાજ, ડૂબાણગ્રસ્ત જમીનનું વળતર તેમજ પુનર્વસનના ખર્ચને લઈને ગંભીર મતભેદો અને વિવાદ ચાલી રહ્યો હતો. ગુજરાત સરકારના સત્તાવાર આંકડાઓ મુજબ, ૩૧ જુલાઈ ૨૦૨૫ની સ્થિતિએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી ગુજરાતના કુલ રૂ.૭,૯૭૪.૮૬ કરોડ લેવાના બાકી નીકળતા હતા. જેમાં એકલા મધ્યપ્રદેશ પાસેથી રૂ.૫,૫૧૬.૫૦ કરોડ, મહારાષ્ટ્ર પાસેથી રૂ.૧,૮૮૩.૮૪ કરોડ અને રાજસ્થાન પાસેથી રૂ.૫૭૪.૫૨ કરોડ લેવાના બાકી હતા. આ ઉપરાંત, સરદાર સરોવર બંધના લીધે મધ્યપ્રદેશમાં સર્જાયેલા ડૂબાણ વિસ્તાર અને અન્ય સંપત્તિના વળતરનો મુદ્દો પણ લાંબા સમયથી વિવાદના ઘેરાવામાં હતો અને મધ્યપ્રદેશે પણ ગુજરાત સામે વળતરનો મોટો દાવો રજૂ કર્યો હતો.
આ દાયકાઓ જૂના અને જટિલ નાણાકીય વિવાદને કાયમ માટે ઉકેલવા હેતુ ગત ૭ જુલાઈ ૨૦૨૬ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સીધી મધ્યસ્થતા હેઠળ ચારેય રાજ્યો (ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન) વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં 'વન-ટાઈમ સેટલમેન્ટ' કરીને ૫૦ વર્ષ જૂના આ નાણાકીય વિવાદનો અંત લાવવામાં આવ્યો હતો. આ સમજૂતી અંતર્ગત પુનઃવસન ખર્ચમાં મધ્ય પ્રદેશનો હિસ્સો ૩૧.૯૮% થી ઘટાડીને ૧૬.૧૭% કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્રનો હિસ્સો ૭.૭૬% કરાયો છે. જ્યારે મુખ્ય લાભાર્થી રાજ્ય તરીકે ગુજરાતનો ખર્ચ હિસ્સો ૫૦.૫૭% થી વધારીને સીધો ૭૫% કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ મધ્ય પ્રદેશે ગુજરાત સામેનો રૂ.૭,૬૬૯ કરોડનો દાવો જતો કર્યો છે, જેના પરિણામે ચારેય રાજ્યો વચ્ચેના તમામ નાણાકીય હિસાબો સંપૂર્ણપણે ક્લિયર થઈ ગયા છે.
નવી દિલ્હીમાં યોજાયેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની રિવ્યૂ કમિટીની ૧૫મી બેઠકમાં અગાઉ થયેલા સમજૂતી કરારને સત્તાવાર સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું અને આ સમાધાનને આખરી ઓપ આપીને બાકી રહેતી તમામ ચૂકવણીઓ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગત ૭ જુલાઈ ૨૦૨૬ના રોજ ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં જે સહમતિ સધાઈ હતી, તેને જ આગળ ધપાવીને આ વખતે નાણાકીય વિવાદના ઉકેલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન હેઠળ જ આટલી મોટી સિદ્ધિ હાસલ કરવી શક્ય બની છે.
કેન્દ્રીય મંત્રીએ આ સમગ્ર ઘટનાને માત્ર બાકી નાણાંની લેવડદેવડના પ્રશ્નનો અંત જ નહીં, પરંતુ દાયકાઓ જૂના પરસ્પર મતભેદોને હંમેશા માટે પાછળ છોડીને નવા વિશ્વાસ, સહકાર અને સહિયારા વિકાસના યુગની શરુઆત ગણાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નર્મદાજીનું પવિત્ર પાણી ચારેય રાજ્યોની સમૃદ્ધિ, ખેડૂતોના સર્વાંગી કલ્યાણ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું મુખ્ય માધ્યમ બનવું અનિવાર્ય છે. સાચા અર્થમાં 'સહકારી સંઘવાદ'ની ભાવનાને અનુસરીને પરસ્પર સંવાદ અને સહમતિથી કેવા જટિલ પ્રશ્નો ઉકેલી શકાય છે, તેનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સમજૂતીને દેશના 'વિકસિત ભારત ૨૦૪૭' ના મહાન લક્ષ્ય તરફ આગળ વધવા માટેનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ પગલું માનવામાં આવી રહ્યું છે.