BREAKING NEWS

ગુજરાતની એનસીટીઇ માન્યતા વિના ચાલી રહેલી 70 બી.એડ કોલેજો તપાસના દાયરામાં

  • September 12, 2026 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનિવર્સિટી સાથે જોડાણ અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે એનસીટીઈની માન્યતા ફરજિયાત: 8,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર




ગીર સોમનાથ જિલ્લાની એક બી.એડ કોલેજમાં સામે આવેલી અનિયમિતતાઓની તપાસ દરમિયાન ગુજરાતની અંદાજે 70 ખાનગી બી.એડ કોલેજોમાં પણ નિયમોના સંભવિત ઉલ્લંઘનનો પર્દાફાશ થયો છે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (એનસીટીઈ)ની માન્યતા વિના ચાલી રહેલી આ કોલેજો હવે સરકારની તપાસના દાયરામાં આવી છે. મહત્વનું છે કે યુનિવર્સિટી સાથે જોડાણ અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે એનસીટીઈની માન્યતા ફરજિયાત હોય છે. આ તમામ કોલેજોમાં આશરે 8,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં કુલ 366 બી.એડ કોલેજો આવેલી છે. એનસીટીઈ દ્વારા અનેક ખાનગી બી.એડ કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ આ કોલેજોએ જરૂરી ચકાસણી તથા કન્ફર્મેશન રિપોર્ટ એનસીટીઈ સમક્ષ રજૂ કરવાનો હતો. જોકે, એનસીટીઈના પોર્ટલ પર 296 કોલેજોના રિપોર્ટ ઉપલબ્ધ છે, જ્યારે આશરે 70 ખાનગી કોલેજોએ હજુ સુધી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી નથી.

આ સમગ્ર મામલો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલી શ્રીમતી વનિતાબેન બચુભાઈ નંદોલા બી.એડ કોલેજની મંજૂરી પ્રક્રિયામાં જોવા મળેલી કેટલીક અનિયમિતતાઓ બાદ સામે આવ્યો હતો. ત્યારબાદ શિક્ષણ વિભાગે અન્ય કોલેજોની સ્થિતિની પણ તપાસ શરૂ કરી છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણાએ સંબંધિત સંસ્થાઓને પત્ર લખીને બાકી રહેલી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી જરૂરી રિપોર્ટ વહેલી તકે રજૂ કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.


બી.એડ કોલેજો સાથે સંકળાયેલા શિક્ષણવિદોના જણાવ્યા મુજબ આ મામલો યુનિવર્સિટી અને કોલેજો વચ્ચેના સંભવિત જોડાણ અંગે પણ સવાલો ઊભા કરી શકે છે. સેલ્ફ-ફાઇનાન્સ્ડ બી.એડ, એમ.એડ કોલેજ મેનેજમેન્ટ એસોસિએશનના સચિવ દિલીપ ચૌધરીએ જણાવ્યું કે માત્ર ફરજિયાત એનસીટીઈ માન્યતા ધરાવતી કોલેજને જ યુનિવર્સિટી સાથે જોડાણ મળી શકે છે.


તેમણે વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટીઓની લોકલ ઇન્ક્વાયરી કમિટી પણ કોલેજોની મુલાકાત લઈને સંસ્થા તમામ નિયમનકારી માપદંડો પૂર્ણ કરે છે કે નહીં તેની ચકાસણી કરે છે. જો માન્ય એનસીટીઈ મંજૂરીની ચકાસણી કર્યા વિના કોઈ યુનિવર્સિટીએ બી.એડ કોલેજને જોડાણ આપ્યું હોય, તો આવી સ્થિતિમાં યુનિવર્સિટી પણ જવાબદાર ઠરી શકે છે.


હાલમાં આ કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ચૂક્યા હોવાથી સરકારની તાત્કાલિક પ્રાથમિકતા બાકી રહેલી તમામ ઔપચારિકતાઓ ઝડપથી પૂર્ણ કરાવવાની છે. અધિકારીઓનું કહેવું છે કે આશરે 8,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ સમગ્ર મામલા સાથે જોડાયેલું હોવાથી સરકાર આ મુદ્દે કડક વલણ અપનાવી રહી છે. કોલેજોની નિયમનકારી સ્થિતિ અને તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી શકે તેવી અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સમગ્ર મામલાની નજીકથી દેખરેખ રાખી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application