સાત વિધેયકો બે દિવસમાં ગૃહમાં પસાર કરવામાં આવ્યા
પંદરમી ગુજરાત વિધાનસભાનું નવમું અને ત્રણ દિવસીય ચોમાસું સત્ર શુક્રવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. સત્રની સમાપ્તિ બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સત્રની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ત્રણ બેઠકો દરમિયાન કુલ ૧૮ કલાક અને ૩૨ મિનિટ સુધી ગૃહમાં વિવિધ લોકહિતલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મંત્રીના જણાવ્યા મુજબ, સત્ર દરમિયાન ૫૨ ધારાસભ્યોએ વિવિધ ચર્ચાઓમાં ભાગ લીધો હતો. રાજ્યના વિકાસ અને પ્રજાકલ્યાણને વેગ આપતાં કુલ ૭ સરકારી વિધેયકો માત્ર બે દિવસમાં ગૃહમાં પસાર કરવામાં આવ્યા હતા. નિયમ-૪૪ હેઠળ જાહેર અગત્યની બાબત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું. જ્યારે સત્રના અંતિમ દિવસે નિયમ-૧૦૨ હેઠળ ‘જનજાતીય કલ્યાણ યોજના’ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. નિયમ-૧૧૬ હેઠળ પણ જાહેર અગત્યની બાબત પર મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.
પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મૌખિક જવાબ માટે કુલ ૧,૩૫૬ તારાંકિત પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી ૨૯ પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા થઈ હતી. ઉપરાંત, ૧૫૨ અતારાંકિત પ્રશ્નો પ્રાપ્ત થયા હતા અને નિયમ-૮૭(ક) હેઠળ ૮૮ પ્રશ્નો ગૃહના મેજ પર મૂકવામાં આવ્યા હતા.
સત્ર દરમિયાન વિવિધ સમિતિઓના ૫ અહેવાલો, સરકારી કંપનીઓ, બોર્ડ અને કોર્પોરેશનોના ૨૩ અહેવાલો તથા એક અંદાજપત્ર રજૂ કરાયું હતું. ઉપરાંત, ૬૯ અધિસૂચનાઓ, બે વટહુકમ અને એક બાંહેધરી પત્રક પણ ગૃહના મેજ પર મૂકાયા હતા. ‘જલ જીવન મિશન’ અંગેનો કેગનો ઓડિટ અહેવાલ પણ રજૂ થયો હતો.
સત્ર દરમિયાન અવસાન પામેલા પાંચ મહાનુભાવોને શોકદર્શક ઉલ્લેખ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લોકશાહી પ્રક્રિયા અને વિધાનસભાની કામગીરી નિહાળવા રાજ્યભરમાંથી ૫,૨૪૬ પ્રેક્ષકોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી.
સત્રની સફળતા બદલ વાઘાણીએ મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પક્ષ-વિપક્ષના ધારાસભ્યો તથા સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.